IPL 2025 મેગા ઓક્શન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 24 અને 25 નવેમ્બરે ખેલાડીઓ પર બોલી લાગવાની છે. જેને લઈને BCCIએ ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે. આ વખતે 574 ખેલાડીઓ પર બોલી લાગતી જોવા મળશે. જેમાં સૌથી મોટી ઉંમરના ખેલાડી ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને સૌથી યુવા ખેલાડી ભારતના વૈભવ સૂર્યવંશી છે. હરાજી કરાયેલા ખેલાડીઓની યાદીમાં વૈભવ સૂર્યવંશીને 491મું સ્થાન મળ્યું છે. વૈભવનો અનકેપ્ડ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
બિહાર સામે રણજીમાં ડેબ્યુ કર્યું
સૂર્યવંશીએ આ વર્ષે જાન્યુઆરીમાં બિહાર માટે રણજી ડેબ્યૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું, ત્યારબાદ વૈભવની ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા A સામે પણ વૈભવે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સદી ફટકારી હતી. વૈભવે આ સદી માત્ર 58 બોલમાં ફટકારી હતી. તેની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. સૂર્યવંશીએ પોતાની કારકિર્દીમાં 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેની 10 ઇનિંગ્સમાં વૈભવે 100 રન બનાવ્યા છે.
12 વર્ષ 284 દિવસની ઉંમરે પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી
વૈભવ સૂર્યવંશી હવે IPLમાં પોતાની છાપ છોડી શકે છે. તે જે પ્રકારનો પ્રતિભાશાળી ખેલાડી છે, ઘણી ફ્રેન્ચાઇઝીઓ તેની પર નજર રાખશે. વૈભવ તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ 12 વર્ષ અને 284 દિવસની ઉંમરે રમ્યો હતો. આ સિવાય વૈભવે રણધીર વર્મા અંડર-19 ODI ટૂર્નામેન્ટમાં પણ ત્રેવડી સદી ફટકારી હતી.
42 વર્ષીય એન્ડરસન પ્રથમ વખત હરાજીમાં સામેલ
આ હરાજીમાં સૌથી વૃદ્ધ ખેલાડી જેમ્સ એન્ડરસન છે. 42 વર્ષના એન્ડરસને તેની બેઝ પ્રાઈસ 1.25 કરોડ રૂપિયા રાખી છે. એન્ડરસને 2014 થી એકપણ T20 મેચ રમી નથી અને તે ક્યારેય IPLનો ભાગ નથી રહ્યો. પરંતુ, આ વખતે તેણે IPLમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો છે. એન્ડરસને જુલાઈ 2024માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર છે. એન્ડરસને 188 ટેસ્ટમાં 704 વિકેટ પોતાના નામે કરી હતી. એન્ડરસને 194 ODI પણ રમી હતી, જેમાં તેણે 269 વિકેટ લીધી હતી, જ્યારે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2007માં શરૂ થઈ હતી અને તેણે તેની છેલ્લી મેચ 2009માં રમી હતી. તેણે 19 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 18 વિકેટ લીધી હતી.
જેદ્દાહમાં યોજાશે મેગા ઓક્શન
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાનારી હરાજીમાં કુલ 574 ખેલાડીઓ સામેલ થશે. 574 ખેલાડીઓમાંથી 366 ભારતીય અને 208 વિદેશી છે, જેમાં સહયોગી દેશોના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. IPL 2025 ની હરાજીમાં 318 ભારતીય અનકેપ્ડ પ્લેયર્સ અને 12 અનકેપ્ડ વિદેશી પ્લેયર હશે. IPL ટીમો માટે 204 સ્લોટ ખાલી છે, જેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.