IPL 2025ની મેગા હરાજી માટે થોડા દિવસો બાકી છે. આગામી 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શન યોજાશે. આ પહેલા ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ મોટો નિર્ણય લીધો છે. GTના કોચિંગ સ્ટાફમાં એક ભારતીયનો પ્રવેશ થયો છે. ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલને બેટિંગ અને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
ગુજરાત ટાઇટન્સમાં આ ભારતીયની એન્ટ્રી
પાર્થિવ પટેલ મુખ્ય કોચ આશિષ નેહરાના નેતૃત્વમાં સપોર્ટ સ્ટાફમાં બેવડી ભૂમિકા ભજવશે. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'ગુજરાત ટાઇટન્સ તેના નવા સહાયક અને બેટિંગ કોચ તરીકે પાર્થિવ પટેલની નિમણૂકની જાહેરાત કરતાં ખુશ છે. આ ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ટીમમાં તેની 17 વર્ષની શાનદાર કારકિર્દીનો અનુભવ ઉમેરશે.
પ્રથમ વખત કોચની ભૂમિકા ભજવશે પાર્થિવ
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ટાઇટન્સ IPLની આગામી સિઝન માટે તૈયારી કરી રહી છે, પાર્થિવની બેટિંગ ટેકનિક અને વ્યૂહરચના ઘડવાની ક્ષમતા ખેલાડીઓની કુશળતાને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.' તમને જણાવી દઈએ કે પાર્થિવે 2020માં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ પહેલીવાર હશે જ્યારે તે IPLમાં કોચની ભૂમિકા ભજવશે. તે છેલ્લી ત્રણ સીઝનથી મુંબઈ ઈન્ડિયન્સ માટે ટેલેન્ટ સ્કાઉટ તરીકે કામ કરી રહ્યો હતો. તે ILT20ની પ્રથમ સિઝનમાં MI અમીરાતનો બેટિંગ કોચ પણ હતો.
ગુજરાત ટાઇટન્સ રીટેન્શન લિસ્ટ
શુભમન ગિલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમે મેગા ઓક્શન પહેલા 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. રાશિદ ખાનને સૌથી વધુ રૂ. 18 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો હતો, જ્યારે શુભમન ગીલે પગારમાં ઘટાડો સ્વીકાર્યો હતો અને તેને રૂ. 16.5 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો હતો. સાંઈ સુદર્શનને 8.5 કરોડમાં જાળવી રાખ્યો. ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવાટિયાને 4-4 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યા છે.