આ વખતે મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થઈ રહ્યું છે. જેના માટે BCCIએ 24 અને 25 નવેમ્બર રાખી છે. મેગા ઓક્શન પહેલા ખેલાડીઓને લઈને અનેક અટકળો ચાલી રહી છે કે આ ખેલાડી આ ટીમમાં જશે કે અન્ય ટીમમાં જશે. કોલકાતા નાઈટ રાઈડર્સે IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને પણ બહાર કર્યો છે. જે બાદ સ્ટાર્ક હવે હરાજીમાં ભાગ લેવા માટે તૈયાર છે. હવે સ્ટાર્કને લઈને ઘણી અટકળો ચાલી રહી છે કે આ વખતે ઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં પ્રવેશ કરી શકે છે.


KKRએ કર્યો રિલીઝ

IPS 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ વખતે KKR એ આ ખેલાડીને રિલીઝ કરી દીધો છે. મેગા ઓક્શનમાં મિચેલ સ્ટાર્કની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. વેલ, ઘણી ફ્રેન્ચાઈઝી આ ખેલાડી પર નજર રાખશે. પરંતુ RCB તેની બોલિંગ લાઇન અપને મજબૂત કરવા સ્ટાર્ક પર ફરી એકવાર મજબૂત બોલી લગાવી શકે છે.

સ્ટાર્ક ફરીથી RCB સાથે જોડાશે?

બીજી તરફ, સ્ટાર્કના RCBમાં જોડાવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ઘણા ચાહકો આ વખતે મિચેલ સ્ટાર્કને RCB ટીમમાં જોવા માંગે છે. તમને જણાવી દઈએ કે, મિચેલ સ્ટાર્ક આ પહેલા પણ RCB તરફથી IPL રમી ચૂક્યો છે. સ્ટાર્ક વર્ષ 2014માં RCBનો ભાગ હતો, ત્યારબાદ સ્ટાર્ક ઘણા વર્ષો સુધી ફરી IPL રમ્યો ન હતો. જોકે KKRએ તેને વર્ષ 2018માં ખરીદ્યો હતો, પરંતુ આ ખેલાડી આ સિઝનમાં પણ રમી શક્યો નહોતો.


કંઈ ખાસ નહોતું રહ્યું IPL 2024

મિચેલ સ્ટાર્ક IPL 2024માં સૌથી મોંઘા ખેલાડી તરીકે રમવા આવ્યો હતો. આવી સ્થિતિમાં KKRના ચાહકોને સ્ટાર્ક પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ સિઝન સ્ટાર્ક માટે કંઈ ખાસ ન હતી. ફાઈનલ મેચ સિવાય કોઈ પણ મેચમાં સ્ટાર્કનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. IPL 2024માં સ્ટાર્કે 14 મેચમાં માત્ર 17 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે પોતાની બોલિંગ દરમિયાન 444 રન ખર્ચ્યા હતા. અત્યાર સુધીમાં સ્ટાર્કે IPLમાં 41 મેચ રમી છે, જેમાં તેણે 51 વિકેટ પોતાના નામે કરી છે. IPLમાં સ્ટાર્કનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 15 રનમાં 4 વિકેટ ઝડપી રહ્યું છે.

  • Follow us on: