IPL 2025ની મેગા ઓક્શનમાં તમામ 10 ટીમોએ મળીને પ્રથમ દિવસે 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેના કારણે બીજા દિવસે ટીમોના પર્સમાં બહુ ઓછા પૈસા બચ્યા હતા. આમ છતાં બીજા દિવસે ઘણા ભારતીય ખેલાડીઓ પર ઊંચી બોલી લગાવવામાં આવી હતી. ભુવનેશ્વર કુમારને આરસીબીએ રૂ. 10.75 કરોડમાં ખરીદ્યો હતો તે ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલરો પર પણ મોટી રકમનો વરસાદ થયો હતો. તો ચાલો જાણીએ એ ભારતીય ખેલાડીઓ વિશે જેમના પર હરાજીના બીજા દિવસે લક્ષ્મીજીની ખૂબ કૃપા થઈ હતી.
ભુવનેશ્વર કુમાર 10.75 કરોડ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ)
સ્વિંગના કિંગ તરીકે જાણીતા ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. ભુવી બીજા દિવસે વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી હતો. ભુવી આ હરાજીમાં રૂ. 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે ઉતર્યો હતો. અહીં, મુંબઈ ઈન્ડિયન્સે પહેલી બોલી લગાવીને પોતાનો ઈરાદો બતાવ્યો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) પણ રેસમાં કૂદી ગઈ. આ બે ફ્રેન્ચાઈઝીએ ભુવાની કિંમત 10.50 કરોડ રૂપિયા કરી દીધી. અહીં RCB પણ મેદાનમાં ઉતર્યું અને ભુવી પર 10.75 કરોડ રૂપિયાની બોલી લગાવી. કદાચ આરસીબીએ ભુવીની કિંમતમાં થોડો વધારો કર્યો હોત પરંતુ લખનૌ અહીંથી પીછેહઠ કરી અને ભુવનેશ્વર રૂ. 10.75 કરોડમાં બેંગલુરુ ગયો.
દીપક ચહર – 9.25 કરોડ (મુંબઈ ઈન્ડિયન્સ)
ફાસ્ટ બોલર દીપક ચહર 2018થી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો હતો. તેને મુંબઈ ઈન્ડિયન્સે મેગા ઓક્શનમાં રૂ. 9.25 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. MI અગાઉ ભુવનેશ્વર કુમારને ખરીદી શકી ન હતી, પરંતુ તેની જગ્યાએ દીપકને ખરીદવામાં સફળ રહી હતી. નવા બોલથી પ્રભાવી રહેલા દીપકે તેની IPL કરિયરમાં અત્યાર સુધીમાં 58 વિકેટ ઝડપી છે.
મુકેશ કુમાર - 8 કરોડ (દિલ્હી કેપિટલ)
મુકેશ કુમાર છેલ્લા 2-3 વર્ષમાં ક્રિકેટ જગતના સૌથી ઉભરતા બોલરોમાંના એક સાબિત થયા છે. દિલ્હી કેપિટલ્સે તેને રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુકેશ માટે પણ આ સોદો નફાકારક હતો કારણ કે છેલ્લી સીઝન સુધી દિલ્હી કેપિટલ્સ તેને રૂ. 5.5 કરોડનો પગાર ચૂકવતી હતી. મુકેશે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 20 મેચ રમીને 24 વિકેટ લીધી છે.
આકાશદીપ – 8 કરોડ (LSG)
આકાશદીપ 2022 થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ભાગ છે, પરંતુ તેણે આ વર્ષે ભારત માટે ડેબ્યૂ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. સ્વાભાવિક છે કે ટીમ ઈન્ડિયામાં આવ્યા બાદ અને સારું પ્રદર્શન કર્યા બાદ તેની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત વધારો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સે પણ આકાશદીપ પર બોલી લગાવી હતી, પરંતુ અંતે લખનૌ સુપર જાયન્ટ્સે તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.