IPL 2025ની મેગા ઓક્શન 24-25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે. તમામ ફ્રેન્ચાઈઝી ઓક્શન અને આગામી સિઝનની તૈયારીમાં બિઝી છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


ડીસીએ ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર મુનાફ પટેલને તેના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ મંગળવારે આની જાહેરાત કરી હતી. મુનાફ 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો.

મુનાફ પટેલનું શાનદાર કરિયર

મુનાફ પટેલ હાલમાં 41 વર્ષના છે અને તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેને ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. મુનાફ પટેલે વર્ષ 2011માં ધોની ટીમમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેના ઈન્ટરનેશનલ કરિયર દરમિયાન, તેને 13 ટેસ્ટ મેચમાં 35 વિકેટ, 70 ODI મેચોમાં 86 વિકેટ અને ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચમાં 4 વિકેટ ઝડપી છે.

મુનાફ પટેલ આઈપીએલમાં ત્રણ ટીમો તરફથી રમી ચૂક્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સ (2008-10), મુંબઈ ઈન્ડિયન્સ (2011-13) અને ગુજરાત લાયન્સ (2017)ના નામ સામેલ છે. તેને 63 IPL મેચમાં 74 વિકેટ લીધી છે. મુનાફ પટેલ પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતા છે.

ભરૂચ એક્સપ્રેસ તરીકે ઓળખાતો મુનાફ પટેલ

ડોમેસ્ટિક ક્રિકેટમાં આ બોલરને ભરૂચ એક્સપ્રેસ કહેવામાં આવતો હતો. ઝડપી ગતિ અને ચોક્કસ લાઈન અને લંબાઈ તેની ઓળખ હતી, પરંતુ ઇજાઓને કારણે તેની કારકિર્દી બહુ લાંબી ચાલી ન હતી. મુનાફ પટેલને સ્થાનિક ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર તરીકે ઓળખ મળી રહી હતી. જ્યારે તેને આ નામ આપવામાં આવ્યું ત્યારે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યો ન હતો.

સચિન તેંડુલકરે કરી મદદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરે પટેલને નેટમાં બોલિંગ કરતો જોયો અને તેને સીધો એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં મોકલ્યો. ચેન્નાઈમાં તેને ટીએ શેખર અને ડેનિસ લીલીની નીચે તાલીમ લીધી. ટૂંક સમયમાં જ તે ભારતીય ક્રિકેટનો સૌથી ઝડપી બોલર તરીકે ઓળખાવા લાગ્યો. તેને બરોડા કે ગુજરાતને બદલે મુંબઈ તરફથી રમવાનું પસંદ કર્યું. સચિન તેંડુલકરે તેને મુંબઈ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિન તેંડુલકરે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે વાત કરી અને મુનાફને મુંબઈ તરફથી રમવા માટે મનાવ્યો.

એક મહિનામાં ત્રણ મોટા નિર્ણયો

દિલ્હી કેપિટલ્સે એક મહિનામાં સપોર્ટ સ્ટાફને લઈને ત્રણ મોટા નિર્ણયો લીધા છે. 17 ઓક્ટોબરના રોજ, ડીસીએ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હેમાંગ બદાનીને મુખ્ય કોચ અને વેણુગોપાલ રાવને ક્રિકેટના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. રિકી પોન્ટિંગની જગ્યાએ 47 વર્ષીય બદાનીને કોચ બનાવવામાં આવ્યો હતો. ભારત માટે ચાર ટેસ્ટ અને 40 વનડે રમી ચૂકેલા બદાની પાસે વિવિધ ક્રિકેટ લીગમાં કોચિંગનો અનુભવ છે. ભારત માટે 16 ODI રમનાર વેણુગોપાલ રાવ 2009માં IPL જીતનાર ડેક્કન ચાર્જર્સ ટીમનો ભાગ હતો.

રિષભ પંતને ન કરવામાં આવ્યો રિટેન

ડીસીએ મેગા ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. આ લિસ્ટમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ, સ્પિનર ​​કુલદીપ યાદવ, દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ટ્રિસ્ટન સ્ટબ્સ અને અનકેપ્ડ ખેલાડી અભિષેક પોરેલનું નામ છે. ડીસીએ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને જાળવી રાખ્યો ન હતો. રિષભ પંત ડીસીનો કેપ્ટન હતા. પંત હવે ઓક્શનમાં ઉતરશે અને તેના માટે મોટી બોલીની અપેક્ષા છે. ડીસી હજુ સુધી એક પણ વખત આઈપીએલ ટ્રોફી જીતી શકી નથી.


  • Follow us on: