IPL 2025ની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. તેઓએ તેમના નવા મુખ્ય કોચને બદલ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ હવે પંજાબ કિંગ્સના નવા મુખ્ય કોચ બનશે. પોન્ટિંગે 2024ની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. બે મહિના પહેલા જ પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સના કોચિંગ પદ પરથી રાજીનામું આપ્યું હતું. પંજાબમાં જોડાયા બાદ પોન્ટિંગ અન્ય કોચિંગ સ્ટાફના ફેરફાર અંગે પણ પોતાનો નિર્ણય લેશે.
પંજાબે છેલ્લા 7 વર્ષમાં 6 કોચ બદલ્યા
પંજાબ કિંગ્સે છેલ્લા 7 વર્ષમાં પોતાના 6 કોચ બદલ્યા છે. પોન્ટિંગ છેલ્લા 7 વર્ષમાં પંજાબનો છઠ્ઠો કોચ હશે. ગત સિઝનમાં શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ પ્લેઓફની રેસ માટે ક્વોલિફાય કરી શકી નથી.
પોન્ટિંગે કોલકાતાથી કરી હતી IPL જર્નીની શરૂઆત
પોન્ટિંગ 2008થી IPL સેટઅપનો મોટો હિસ્સો રહ્યો છે. 2008માં KKR માટે ખેલાડી તરીકે સેવા આપ્યા બાદ, પોન્ટિંગ 2013 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ વર્ષે તેનું પહેલું ટાઈટલ પણ જીત્યું હતું. વર્ષ 2014માં પોન્ટિંગને મુંબઈના સલાહકાર તરીકે જોવામાં આવ્યો હતો. 2015 અને 2016માં તેણે મુંબઈ માટે મુખ્ય કોચની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2018 માં, પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સેટઅપનો એક ભાગ હતો.
નવા કેપ્ટનની કરવામાં આવશે જાહેરાત
શિખર ધવને હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં ધવન IPL 2025માં ભાગ નહીં લે. IPL 2025ની હરાજીમાં પંજાબની નજર પણ તેના નવા કેપ્ટન પર રહેશે. જોકે, કિંગ્સે હજુ સુધી પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી નથી. ધવનની ઈજા પછી, સેમ કરને IPL 2024માં કાર્યકારી કેપ્ટનની ભૂમિકા ભજવી હતી.
17 વર્ષથી ચાલી રહ્યો છે ટ્રોફીનો દુષ્કાળ
પંજાબ કિંગ્સની છેલ્લી સિઝનની વાત કરીએ તો, આ ટીમ લીગ સ્ટેજમાં 14 મેચ રમ્યા બાદ માત્ર પાંચ વખત જીતવામાં સફળ રહી હતી. પંજાબ પોઈન્ટ ટેબલમાં તળિયેથી બીજા સ્થાને રહી હતી. પંજાબનો પ્લેઓફની નજીક આવ્યા બાદ ટાઇટલની રેસમાંથી બહાર રહેવાનો લાંબો ઇતિહાસ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17 સિઝન પસાર થઈ ગઈ છે, પરંતુ આ ટીમનો ખિતાબનો દુકાળ ખતમ થઈ રહ્યો નથી. હવે પંજાબને પહેલીવાર IPL ચેમ્પિયન બનાવવાની જવાબદારી રિકી પોન્ટિંગ પર રહેશે.