T20 વર્લ્ડકપ જીતવામાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને IPL 2025 માટે રાજસ્થાન રોયલ્સ દ્વારા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ જીત્યા બાદ જ દ્રવિડે મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી, તે આઈપીએલની કોઈ ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા હતી.

એક અહેવાલ મુજબ, દ્રવિડે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે, અને આ વર્ષના અંતમાં યોજાનારી મેગા હરાજીમાં ખેલાડીઓની જાળવણી અંગે પણ ફ્રેન્ચાઇઝી સાથે વાત કરી છે. દ્રવિડના રાજસ્થાન રોયલ્સ અને ટીમના કેપ્ટન સંજુ સેમસન સાથે સારા સંબંધો છે. દ્રવિડ આ ટીમ સાથે પહેલા પણ કામ કરી ચુક્યો છે અને ઘણી મહત્ત્વની ભૂમિકાઓ ભજવી ચુક્યો છે. જેમાં કેપ્ટનથી લઈને ટીમ ડાયરેક્ટર અને મેન્ટર સુધીના દરેકનો સમાવેશ થાય છે.

દ્રવિડનો કાર્યકાળ શાનદાર રહ્યો હતો

ત્યારબાદ દ્રવિડ 2016માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)માં જોડાયો. આઈપીએલમાં આટલું કામ કર્યા પછી, તેને ફરીથી દેશની સેવા કરવાનો મોકો મળ્યો અને 2019માં તેને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. તેમને બે વર્ષ માટે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા અને ત્રણ વર્ષ સુધી આ પદ પર કામ કર્યું. દ્રવિડની દેખરેખ હેઠળ ટીમે અપાર સફળતા હાંસલ કરી હતી. તેમના કાર્યકાળનો સુવર્ણ તબક્કો ત્યારે આવ્યો જ્યારે ટીમ ઈન્ડિયાએ આ વર્ષે T20 વર્લ્ડકપ જીત્યો અને ICC ટૂર્નામેન્ટ જીતવાના 11 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો.

વિક્રમ રાઠોડને પણ જવાબદારી મળી શકે છે

એવું પણ માનવામાં આવે છે કે રાજસ્થાન રોયલ્સ ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોડને પણ સાઈન કરવા જઈ રહી છે. રાઠોડે દ્રવિડ સાથે NCAમાં પણ કામ કર્યું છે. આ પછી તેને 2019માં ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ટીમના બેટિંગ કોચ તરીકે પોસ્ટ કરવામાં આવશે, જ્યારે ટીમ ડિરેક્ટર કુમાર સંગાકારા તેમની જવાબદારી નિભાવતા રહેશે. તે હવે SA20માં પાર્લ રોયલ્સ અને કેરેબિયન પ્રીમિયર લીગમાં બાર્બાડોસ રોયલ્સ ટીમ માટે પણ જવાબદાર રહેશે.

  • Follow us on: