IPL 2025ની મેગા ઓક્શન પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, રિષભ પંત આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહેશે નહીં. દિલ્હીની ટીમ નવા કેપ્ટનની શોધમાં છે અને આ રેસમાં એક ભારતીય ખેલાડીનું નામ સૌથી આગળ છે. દિલ્હી ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે કેપ્ટનશિપના દબાણથી મુક્ત થયા બાદ વિકેટકીપર બેટ્સમેન વધુ વિસ્ફોટક પ્રદર્શન કરી શકશે. પંતની કપ્તાનીમાં દિલ્હીનું ગત સિઝનમાં પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. ટીમે 14માંથી 7 મેચ જીતી હતી, જ્યારે એટલી જ મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ ટૂર્નામેન્ટ છઠ્ઠા સ્થાને સમાપ્ત કરી.
રિષભ પંત નહીં હોય કેપ્ટન?
એક અહેવાલ મુજબ, દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2025માં રિષભ પંતને ટીમની કેપ્ટનશીપ આપવા માંગતી નથી. દિલ્હી નવા કેપ્ટનની શોધમાં છે. પંત બાદ ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ સુકાનીપદ સંભાળવાની રેસમાં આગળ છે. જો ટીમ અક્ષર પર વિશ્વાસ નહીં કરે તો દિલ્હી મેગા ઓક્શનમાં એવા ખેલાડી પર સટ્ટો લગાવતી જોવા મળશે જે ટીમની કમાન સંભાળી શકે. દિલ્હી ટીમના નેતૃત્વ જૂથનું માનવું છે કે પંત કેપ્ટનશીપ વિના વધુ સારું પ્રદર્શન કરી શકશે.
ત્રણ વર્ષથી પ્લેઓફમાં પહોંચી નથી ટીમ
દિલ્હી કેપિટલ્સ છેલ્લે વર્ષ 2021માં પ્લેઓફમાં પ્રવેશી હતી. ત્યારપછી ત્રણ સિઝનમાં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. વર્ષ 2020માં જ્યારે દિલ્હી ફાઇનલમાં પહોંચ્યું ત્યારે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ટીમનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ હતું. IPL 2024માં પણ દિલ્હીની ટીમ અને કેપ્ટન પંત પોતે તે ફોર્મમાં જોવા મળ્યા ન હતા.
પંતે શેર કરી હતી પોસ્ટ
રિષભ પંતે હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. પંતે ચાહકોને પૂછ્યું હતું કે જો તે ઓક્શનમાં જશે તો તેને ખરીદવામાં આવશે કે નહીં અને જો તેને ખરીદવામાં આવશે તો તેના નામની કેટલી બોલી લાગશે. પંતની આ પોસ્ટ પર ઘણા જવાબો આવ્યા હતા. જો કે, અહેવાલોનું માનીએ તો દિલ્હી કેપિટલ્સે મેગા ઓક્શન પહેલા પંતને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે અને તે ટીમની પ્રથમ પસંદગી છે.