પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 10 રને હરાવ્યું. આ મેચમાં પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 219 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન નિર્ધારિત 20 ઓવરમાં 209 રન જ બનાવી શક્યું હતું.
આ મેચ જીતીને પંજાબે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. પંજાબની જીતમાં નેહલ વાઢેરા અને હરપ્રીત બ્રારે સૌથી મોટો ફાળો આપ્યો. નેહલ વાઢેરાએ 70 રન બનાવ્યા અને હરપ્રીતે 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી.
રાજસ્થાન રોયલ્સની તોફાની શરૂઆત
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સને 220 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ પોતાની ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને 5મી ઓવરમાં જ ટીમનો સ્કોર 60 રનથી વધુ લઈ ગયો. આ દરમિયાન, વૈભવ સૂર્યવંશી 15 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે એક છેડો પકડી રાખ્યો હતો પરંતુ પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો. જયસ્વાલે પોતાની ઈનિંગમાં 25 બોલમાં 50 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
આ મેચમાં સંજુ સેમસનની વાપસી થઈ, પરંતુ તે ફક્ત 20 રન બનાવીને આઉટ થઈ ગયો. ટીમને રિયાન પરાગ તરફથી મોટી ઈનિંગની જરૂર હતી, તે 13 રનના સ્કોર પર હરપ્રીત બ્રારના બોલ પર ક્લીન બોલ્ડ થયો. મોટી પાર્ટનરશિપમો અભાવ રાજસ્થાનની મુશ્કેલીઓ વધારી રહ્યો હતો.
ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર વચ્ચે 37 રનની પાર્ટનરશિપ
ધ્રુવ જુરેલ એક છેડો આયર્ન મેનની જેમ પકડી રહ્યો હતો, પણ તેને બીજા છેડેથી ટેકો મળી રહ્યો ન હતો. ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર વચ્ચે 37 રનની પાર્ટનરશિપ થઈ હતી, જ્યારે હેટમાયર 11 રન બનાવીને આઉટ થયો, ત્યારે રાજસ્થાનને જીતવા માટે 16 બોલમાં 39 રન બનાવવાના હતા.
રાજસ્થાનને છેલ્લી ઓવરમાં બનાવવાના હતા 22 રન
રાજસ્થાન રોયલ્સને છેલ્લી ઓવરમાં 22 રન બનાવવાના હતા. 19મી ઓવરમાં અર્શદીપ સિંહ બોલિંગ કરવા આવ્યો, જેમાં તેને ફક્ત 8 રન આપ્યા, જેના કારણે મેચ મોટાભાગે પંજાબના પક્ષમાં ગઈ. માર્કો યાન્સેને છેલ્લી ઓવર નાખી, તેના પહેલા 4 બોલ પછી મેચનું પરિણામ નક્કી થયું. પહેલા 2 બોલમાં ફક્ત 2 રન આવ્યા, જ્યારે પછીના 2 બોલમાં તેને ધ્રુવ જુરેલ અને વાનિંદુ હસરંગાને આઉટ કર્યા. છેલ્લા 2 બોલ પર બે ચોગ્ગાથી રાજસ્થાનને કોઈ ફાયદો થયો નહીં.