આ વખતે IPLની નવી સિઝન પહેલા મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. ક્રિકેટ ચાહકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે મેગા ઓક્શન બાદ તમામ ટીમોમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સિવાય ઘણા મોટા ખેલાડીઓની ટીમ પણ બદલાઈ શકે છે. હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે આ ટીમના માલિક બદલાઈ શકે છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાત ટાઇટન્સ વિશે. ખૂબ જ ટૂંક સમયમાં આપણે ગુજરાત ટાઇટન્સના નવા માલિકને જોઈ શકીએ છીએ.


ટોરેન્ટ ગ્રુપ બની શકે છે GTનું નવું માલિક

અહેવાલો અનુસાર અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ IPL ટીમ ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે તૈયાર છે. CVC કેપિટલ પાર્ટનર્સ સાથે કરાર કરવામાં આવ્યો છે. એક અહેવાલમાં જણાવાયું છે કે અદાણી જૂથે પણ ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો મેળવવામાં રસ દાખવ્યો હતો, પરંતુ વાટાઘાટો આગળ વધી શકી ન હતી. ઔપચારિક સોદો ત્યારે જ સાઈન થઈ શકે છે જ્યારે લોક-ઈન પીરિયડ પૂરો થઈ જાય. આ વચ્ચે CVCની ટીમમાં ભાગીદારી થાય તેવી અપેક્ષા છે જેની કિંમત $1 બિલિયનથી વધુ છે.


વર્ષ 2022માં IPLમાં થઇ હતી એન્ટ્રી

IPLમાં ગુજરાત ટાઇટન્સની એન્ટ્રી વર્ષ 2022માં થઈ હતી. આ ટીમને સફળ ટીમોમાંની એક ગણવામાં આવે છે. કારણ કે ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં જ IPLનો ખિતાબ જીત્યો હતો. આ પછી ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ બીજી વખત ગુજરાતની ટીમ ફાઇનલમાં જીતી શકી નહોતી. હાર્દિક પંડ્યાએ સતત બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું હતું.

હાર્દિક મુંબઇમાં પરત ફર્યો

આ પછી IPL 2024માં હાર્દિક તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને તેને રોહિતની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ શુભમન ગીલને સોંપવામાં આવી હતી. જોકે ગત સિઝનમાં ગુજરાતનું પ્રદર્શન એટલું સારું નહોતું અને ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી.

  • Follow us on: