IPL 2026માં ભલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હોય, પરંતુ કપ્તાન હાર્દિક પંડ્યાએ પોતાના નામે એક અદભૂત સિદ્ધિ નોંધાવી છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ IPL ઈતિહાસનો એવો રેકોર્ડ બનાવ્યો છે, જે અત્યાર સુધી કોઈ પણ ભારતીય ખેલાડી બનાવી શક્યું નથી. હાર્દિક હવે વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
વોટસન, પોલાર્ડ અને રસેલના ખાસ ક્લબમાં સ્થાન
હાર્દિક પંડ્યા હવે IPLના એવા દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયો છે, જેમના નામે 2500+ રન, 50+ વિકેટ અને 150 છગ્ગા નોંધાયેલા છે. હાર્દિક પૂર્વે આ જાદુઈ આંકડો માત્ર ત્રણ વિદેશી ખેલાડીઓએ જ સ્પર્શ્યો હતો.
- શેન વોટસન (ઓસ્ટ્રેલિયા)
- કીરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ)
- આન્દ્રે રસેલ (વેસ્ટ ઈન્ડિઝ)
- હાર્દિક પંડ્યા (ભારત)
હાર્દિક આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો અને ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
150 સિક્સરનો આંકડો કર્યો પાર
પંજાબ કિંગ્સ સામેની મેચમાં હાર્દિકે પ્રથમ છગ્ગો ફટકારતાની સાથે જ IPL કરિયરની 150 સિક્સર પૂરી કરી હતી. તેના નામે અત્યારે 2800થી વધુ રન અને 80 વિકેટ છે. જોકે, આ વ્યક્તિગત રેકોર્ડ છતાં મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે હાર્દિક માટે આ ખુશી થોડી ઓછી રહી હતી.
હાર્દિક પંડ્યાની શાનદાર IPL સફર
વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સથી કરિયરની શરૂઆત કરનાર હાર્દિકે અત્યાર સુધી 156 મેચ રમી છે. જેમાં તેણે 2830 રન બનાવ્યા છે અને 80 વિકેટ ઝડપી છે. વચ્ચેના બે વર્ષ તે ગુજરાત ટાઇટન્સનો કપ્તાન રહ્યો હતો, અને ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. હવે ફરી મુંબઈના કપ્તાન તરીકે તેણે આ ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે.
આ પણ વાંચો - RRના મેનેજરને ડગ આઉટમાં ફોન વાપરવો પડ્યો મોંઘો, BCCIએ આપી આકરી સજા