એક તરફ જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ખેલાડીઓ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફેન્સ સાથે લાખોની છેતરપિંડી થઈ રહી હતી. સ્ટેડિયમની અંદર આવેલી કેન્ટીનમાં કામ કરતા એક શખ્સ પર RCBની મેચોની ટિકિટની કાળાબજારી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ શખ્સ સ્ટેડિયમની અંદર હોવાનો ફાયદો ઉઠાવી ટિકિટોની હેરાફેરી કરતો હતો.


25 લાખથી વધુની કમાણી કરી હોવાની આશંકા

ઝડપાયેલા આરોપીનું નામ ચંદ્રશેખર છે. તપાસ અહેવાલો મુજબ, આ શખ્સ આશરે 180 જેટલી ટિકિટોની કાળાબજારી કરી ચૂક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ટિકિટની કિંમત સામાન્ય હોય છે તેને તે IPLના ક્રેઝનો ફાયદો ઉઠાવીને 15,000 થી 19,000 રૂપિયા સુધીના ઉંચા ભાવે વેચતો હતો. CCB (સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે, આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓ પણ સામેલ હોઈ શકે છે.

મેદાન પર RCBનો દબદબો: 5માંથી 4 મેચ જીતી

ટિકિટ કૌભાંડની વચ્ચે RCBની ટીમ આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાંથી 4 મેચ જીતીને RCB પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે હૈદરાબાદને 6 વિકેટે અને ચેન્નાઈને 43 રને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. જોકે રાજસ્થાન સામે હાર મળી હતી, પરંતુ ત્યારબાદ મુંબઈને 18 રને અને લખનૌને 5 વિકેટે હરાવીને ટીમે વિજયી લય જાળવી રાખી છે.

વિરાટ અને પાટીદારની બેટિંગમાં જમાવટ

RCBના બેટ્સમેનો અને બોલરો બંને ફોર્મમાં છે. વિરાટ કોહલીએ 5 મેચમાં 57ની સરેરાશથી સૌથી વધુ 228 રન બનાવ્યા છે. જ્યારે કેપ્ટન રજત પાટીદારે 213ના આક્રમક સ્ટ્રાઈક રેટથી 222 રન ફટકાર્યા છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યાએ 7-7 વિકેટ ઝડપી છે, જ્યારે જેકબ ડફી પણ 6 વિકેટ ઝડપીને ટીમને મજબૂતી આપી રહ્યો છે.


આ પણ વાંચો - RRના મેનેજરને ડગ આઉટમાં ફોન વાપરવો પડ્યો મોંઘો, BCCIએ આપી આકરી સજા


  • Follow us on: