ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે આઈપીએલ 2026 ની સિઝનનો અંત ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં, છેલ્લી સતત ત્રણ મેચમાં પરાજય મળતાં ચેન્નાઈ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ગુરૂવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ (GT) સામે રમાયેલી મેચમાં સીએસકેને તેના આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હાર અને પ્લેઓફની રેસમાંથી બહાર થયા બાદ ચેન્નાઈના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાજ ખાને સોશિયલ મીડિયા પર ફેન્સ માટે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી છે.

મારું દિલ હંમેશા પીળા રંગ માટે ધબકશે: સરફરાજ ખાન

આ સિઝનમાં સરફરાજ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં બહુ ઓછી તકો મળી હતી, પરંતુ જેટલી પણ તક મળી તેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરફરાજે 169.47 ના શાનદાર સ્ટ્રાઈક-રેટ અને 23 ની સરેરાશથી 161 રન બનાવ્યા હતા. ટીમ બહાર થતાં જ સરફરાજે ઈન્સ્ટાગ્રામ પર સીએસકેના ફેન્સ માટે લખ્યું, "આ બે મહિના મારા જીવનના સૌથી શ્રેષ્ઠ રહ્યા. મારું દિલ હંમેશા પીળા રંગ (CSK) માટે ધબકતું રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને તમામ સીએસકે ફેન્સનો ખૂબ ખૂબ આભાર."

ગુજરાતે અમને ત્રણેય વિભાગમાં હરાવ્યા: કેપ્ટન ઋતુરાજ

મેચ બાદ ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સ્વીકાર્યું હતું કે, ગુજરાત ટાઈટન્સે રમતની ત્રણેય પાંખ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) માં સીએસકેને ચારેય ખાના ચિત્ત કરી દીધું હતું. ગુજરાત તરફથી મળેલા 230 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતાં ચેન્નાઈની આખી ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઋતુરાજે જણાવ્યું, 230 રનનો પીછો કરવો આસાન ન હતો. અમે બોલિંગમાં ઘણી ભૂલો કરી, ખાસ કરીને પાવરપ્લેમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન સામે અમે લાઈન-લેન્થ ચૂકી ગયા. એકવાર તેમના ઓપનર સેટ થઈ ગયા પછી તેમને રોકવા મુશ્કેલ હતા.

ઈજાઓ અને યુવા ટીમ હોવાનું નુકસાન થયું

સિઝનની મુશ્કેલીઓ વિશે વાત કરતાં કેપ્ટને કહ્યું, અમે સિઝનની શરૂઆતમાં હારની હેટ્રિક વેઠી હતી, પણ પછી લય મેળવી લીધી હતી. જોકે, યોગ્ય સમયે જેમી ઓવરટન અને રામકૃષ્ણ ઘોષ જેવા મહત્વના ઓલરાઉન્ડરો ઈજાગ્રસ્ત થતાં અમારી પ્લેઈંગ-12 અસ્થિર થઈ ગઈ. છેલ્લી 3 મેચમાં અમે કાં તો એક બેટ્સમેન અથવા એક બોલર ઓછો રમાડવો પડ્યો હતો.


https://www.instagram.com/p/DYnGqa7CCNw/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==


તેણે વધુમાં ઉમેર્યું કે, ઘણા લોકોને વિશ્વાસ નથી થતો, પણ અમારી આ એક યુવા ટીમ છે અને અમે બદલાવના તબક્કા (Transition Phase) માંથી પસાર થઈ રહ્યા છીએ. અમારી ટીમમાં 8 થી 10 ખેલાડીઓ એવા છે, જેમણે 20 થી ઓછી મેચ રમી છે. આ વર્ષ તેમના માટે ઘણું શીખવાનું હતું. આ બધી મુશ્કેલીઓ છતાં અમે છ શાનદાર જીત મેળવી, મને મારી ટીમ પર ગર્વ છે.


આ પણ વાંચો - GT vs CSK : હોઠ પર આંગળી, શાંત રહેવાનો ઇશારો... શુભમન ગિલે કેમ કર્યું આવું?