IPL 2026ના લીગ સ્ટેજના હાઈ-સ્કોરિંગ મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને ખૂબ જ સરળતાથી 55 રનથી હરાવ્યું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં બેંગલુરુની ટીમ લક્ષ્ય હાંસલ કરી શકી ન હતી. જોકે, આ હાર છતાં બેંગલુરુને કોઈ મોટું નુકસાન થયું નથી, કારણ કે ટીમ હજુ પણ પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર જ છે અને હવે તેને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળશે.
બીજી તરફ, આ શાનદાર જીત છતાં હૈદરાબાદને નેટ રનરેટના કારણે પોઈન્ટ્સ ટેબલમાં કોઈ ફાયદો થયો નથી અને ટીમ ત્રીજા નંબરે જ રહેશે. બેંગલુરુ, ગુજરાત અને હૈદરાબાદ ત્રણેય ટીમોએ 18-18 પોઈન્ટ્સ સાથે લીગ સ્ટેજની સફર પૂરી કરી છે. હવે 26 મેના રોજ આરસીબી અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મુકાબલો રમાશે.
હૈદરાબાદની જીતના હીરો: ઈશાન અને ક્લાસેનનો તોફાની અંદાજ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો હૈદરાબાદનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 4 ઓવરમાં 45 રન જોડ્યા હતા, પરંતુ રસિખ સલામ ડારે હેડને 26 રને બોલ્ડ કર્યો હતો. આ પછી અભિષેક શર્માએ ઈશાન કિશન સાથે મળીને આરસીબીના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી.
અભિષેકે માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારીને 22 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ઈશાન કિશને હેનરિક ક્લાસેન સાથે મળીને રનનો ગ્રાફ ઊંચો રાખ્યો હતો. ક્લાસેને 24 બોલમાં 51 રન ઝૂડ્યા હતા, જ્યારે ઈશાન કિશને સૌથી વધુ 79 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. અંતમાં નીતિશ રેડ્ડીએ પણ 12 બોલમાં અણનમ 29 રન ફટકારી સ્કોર 255 સુધી પહોંચાડ્યો હતો.
બેંગલુરુના બેટ્સમેનો પડ્યા ધીમા
256 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની મજબૂત બેટિંગ લાઇન-અપ હૈદરાબાદના બોલરો સામે લાંબો સમય ટકી શકી નહોતી. વેંકટેશ અય્યરે 19 બોલમાં 44 રન ફટકારીને તેજ શરૂઆત અપાવી હતી, પરંતુ તેને અહેસાન મલિંગાએ આઉટ કર્યો હતો. આ પછી આરસીબીને સૌથી મોટો ઝટકો સાકિબ હુસૈને આપ્યો હતો, જેણે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને માત્ર 15 રન પર આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો.
દેવદત્ત પડિક્કલ પણ 14 બોલમાં 21 રન જ બનાવી શક્યો હતો. રજત પાટીદારે 56 રન બનાવ્યા હતા પરંતુ તેની ઇનિંગ ઘણી ધીમી રહી હતી. કૃણાલ પંડ્યાએ અણનમ 41 અને ટિમ ડેવિડે અણનમ 15 રન બનાવ્યા હોવા છતાં આરસીબીની ટીમ 20 ઓવરમાં 200 રન જ બનાવી શકી હતી અને 55 રને મેચ હારી ગઈ હતી.
IPL 2026 પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ
લીગ સ્ટેજના અંતે પોઈન્ટ્સ ટેબલમાં બેંગલુરુની ટીમ ટોપ પર રહી છે, જેણે 14 માંથી 9 મેચ જીતીને 18 પોઈન્ટ મેળવ્યા છે. ગુજરાત ટાઇટન્સે પણ 14 માંથી 9 મેચ જીતીને 18 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. હૈદરાબાદે પણ 9 મેચ જીતી છે. પરંતુ તેનો નેટ રનરેટ આરસીબી અને ગુજરાત કરતાં નબળો હોવાથી તે ત્રીજા સ્થાને જ રહી ગઈ છે. હવે પ્લેઓફના ચોથા સ્થાન માટે રાજસ્થાન રોયલ્સ પાસે મોટો મોકો છે. રાજસ્થાનનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે છે, જો રાજસ્થાન આ મેચ જીતશે તો તે સીધી પ્લેઓફમાં પહોંચી જશે, પરંતુ જો તેને હાર મળશે તો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે પ્લેઓફમાં પહોંચવાની સુવર્ણ તક રહેશે.
આ પણ વાંચો - IPL 2026 SRH vs RCB: મેદાનમાં ટ્રેવિસ હેડ સાથે બાખડ્યો વિરાટ કોહલી, Video વાયરલ