• કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે, પેટ કમિન્સ છ મહિનામાં ચોથી મેજર ટ્રોફી જીતવા આતુર

  • ગંભીરના દિમાગ અને કમિન્સના આક્રમક અભિગમ વચ્ચે સીધો મુકાબલો
  • રાજસ્થાન સામેની મેચ બાદ માત્ર 35 સેકન્ડ માટે ટીમની બેઠક યોજી હતી

અનેક ચઢાવઉતાર, વિવિધ રેકોર્ડની વચ્ચે રમાયેલી આઇપીએલની 17મી સિઝનનો રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી ફાઇનલની સાથે અંત આવશે. એક તરફ મેન્ટર ગૌતમ ગંભીરની કોલકાતા ટીમને ટાઇટલ માટે ફેવરિટ માનવામાં આવી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા સુકાની પેટ કમિન્સ પોતાની હૈદરાબાદી ટીમને ચેમ્પિયન બનાવવામાં કોઈ કસર બાકી રાખે તેમ નથી. ફાઇનલ મુકાબલો રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. સામાન્યપણે આઇપીએલના મુકાબલા સુકાની તથા તેમની ટીમો વચ્ચે થાય છે પરંતુ ફાઇનલમાં ગંભીરના દિમાગ અને કમિન્સના આક્રમક અભિગમનો મુકાબલો થશે. કોલકાતાના સુકાની તરીકે બીજી ફાઇનલ રમનાર શ્રોયસ ઐયર આ મુકાબલામાં સહાયકની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે.

કમિન્સ છ મહિનાના ગાળામાં ઓસ્ટ્રેલિયાને વન-ડે વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તથા એશિઝ જીતાડી ચૂક્યો છે. જો તે હૈદરાબાદને ટાઇટલ જીતાડી આપશે તો તેના સિદ્ધિઓમાં વધુ એકનો ઉમેરો થશે. કમિન્સ પાસે કોલકાતા પ્રત્યેક ખેલાડીની અલગ અલગ પરિસ્થિતિમાં રમવાની સ્ટાઇલ તથા નબળાઈઓ અંગેની તમામ જાણકારી તથા આંકડા છે. તે ટીમની બેઠકોમાં સમય વેડફતો નથી. રાજસ્થાન સામેની મેચ બાદ માત્ર 35 સેકન્ડ માટે ટીમની બેઠક યોજી હતી.


  • Follow us on: