• IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા સ્ટાર ખેલાડી સાથે મોટો અકસ્માત થયો છે
  • દિગ્ગજ ખેલાડીની ગરદન પર બોલ વાગ્યો હતો
  • ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ સાથે મોટો અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રેક્ટિસ કરતી વખતે તેની ગરદન પર બોલ વાગ્યો હતો, જેના કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ક્રિકેટની રમત દરમિયાન માથા અથવા ગરદન પર બોલ વાગવાની ઘટનાને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે, ક્યારેક તે અત્યંત જોખમી બની જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રહેમાનુલ્લા ગુરબાઝ શપગીઝા ક્રિકેટ લીગમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. પરંતુ તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

T20 વર્લ્ડ કપ 2024માં કર્યું હતું શાનદાર પ્રદર્શન

રહેમાનુલ્લાહ ગુરબાઝે T20 વર્લ્ડકપ-2024માં અફઘાનિસ્તાન માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેને T20 વર્લ્ડકપ 2024માં કુલ 8 મેચ રમી હતી, જેમાં તેને 281 રન બનાવ્યા હતા. જેમાં તેને 3 અડધી સદી પણ ફટકારી હતી. અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો અને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. આમાં રહેમાનુલ્લા ગુરબાઝનું મહત્વનું યોગદાન હતું. પરંતુ અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. રહેમાનુલ્લા ગુરબાઝનું આ પ્રદર્શન જોઈને ICCએ તેને જુલાઈ મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ કર્યો હતો.

 

રહેમાનુલ્લા ગુરબાઝનું કરિયર કેવી છે?

રહેમાનુલ્લાહ ગુરબાઝે અફઘાનિસ્તાન માટે અત્યાર સુધીમાં 40 વનડે અને 63 T20 મેચ રમી છે. તેને વનડેમાં 1467 રન બનાવ્યા છે જેમાં 6 સદી અને 5 અડધી સદી સામેલ છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં તેને 1657 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 10 અડધી સદી સામેલ છે. આ સિવાય રહેમાનુલ્લા ગુરબાઝે માત્ર એક ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 51 રન બનાવ્યા છે. જો આઈપીએલ કરિયરની વાત કરીએ તો રહેમાનુલ્લા ગુરબાઝ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. તેને 2023માં કુલ 11 મેચ રમી, જેમાં તેણે 227 રન બનાવ્યા. IPL-2024માં ગુરબાઝે 2 મેચમાં 62 રન બનાવ્યા હતા.

 

અફઘાનિસ્તાનને બીજો ઝટકો લાગ્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ નવી દિલ્હી જોડે આવેલા નોઈડા સ્ટેડિયમમાં આવતા મહિને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. તાજેતરમાં ટીમનો અનુભવી ઓલરાઉન્ડર રાશિદ ખાન ધ હન્ડ્રેડ લીગમાં રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના લીધે ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. હવે ટીમનો અન્ય એક અનુભવી ખેલાડી રહેમાનુલ્લા ગુરબાઝ ઈજાગ્રસ્ત થયો છે. અફઘાનિસ્તાન માટે એક સપ્તાહની અંદર આ બીજો સૌથી મોટો ઝટકો છે.


  • Follow us on: