• પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ
  • પ્રથમ મેચ જીતીને આયરિશ ટીમે 1-0ની સરસાઈ મેળવી
  • બાબર આઝમે 43 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી

પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડકપ 2024 પહેલા આયર્લેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ જીતીને આયરિશ ટીમે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે શાનદાર બેટિંગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી. આ સાથે બાબરે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

બાબર આઝમે વિરાટ રેકોર્ડની કરી બરાબરી

આયર્લેન્ડ વિરૂદ્ધ T20 સીરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે 43 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. બાબરે પોતાની ઇનિંગ દરમિયાન 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, બાબર અને વિરાટે 38 વખત 50+ કરતાં વધુ સ્કોર બનાવ્યા છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે 38 ફિફ્ટી અને એક સદી છે, જ્યારે બાબર આઝમના નામે 35 ફિફ્ટી અને 3 સદી છે.

પાકિસ્તાનનો 5 વિકેટે પરાજય

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતા કેપ્ટન બાબર આઝમે 57 રન અને સેમ અયુબે 45 રન બનાવ્યા હતા. આ સિવાય ઈફ્તિખાર અહેમદે 37 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી બોલિંગ કરતી વખતે ક્રેગ યંગે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ પછી આયર્લેન્ડે એક બોલ બાકી રહેતા 183 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આયર્લેન્ડ તરફથી બેટિંગ કરતા એન્ડ્ર્યુ બાલબિર્નીએ સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે આયર્લેન્ડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.


  • Follow us on: