ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બહાર છે. ગત વર્ષે ઈશાનને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ માનસિક તણાવના કારણે ઈશાને આ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જે બાદ BCCI દ્વારા ઈશાનને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ ઈશાને તેની અવગણના કરી હતી. ત્યારથી અત્યાર સુધી ઈશાન ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ હવે ઈશાન રણજી ટ્રોફીની નવી સીઝનમાં રમતા જોવા મળશે.


ઈશાન કિશન કેપ્ટનશીપ કરશે

ઇશાન કિશન ગત સિઝનમાં રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ રમ્યો ન હતો. પરંતુ આ વખતે તે આ ટૂર્નામેન્ટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ઈશાન કિશન રણજી ટ્રોફીમાં ઝારખંડની ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ અંગે ઝારખંડની ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ સુબ્રતો દાસે કહ્યું કે ઈશાન કિશન ઘણો અનુભવી ખેલાડી છે અને તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ અનુભવ છે. અમે એક યુવા ટીમ પસંદ કરી છે અને ઈશાન આ ટીમનું નેતૃત્વ કરવા સક્ષમ છે. અમને વિશ્વાસ છે કે અમારી ટીમ આ રણજી સિઝનમાં સારું પ્રદર્શન કરશે.

દુલીપ ટ્રોફી અને ઈરાની કપમાં સારું પ્રદર્શન કર્યું

ઈશાન કિશને ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરી હતી. જે બાદ તેને ટીમમાંથી બહાર રહેવાની સાથે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ ગુમાવવો પડ્યો હતો. પરંતુ હવે ઈશાન ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત ફર્યો છે. ઈશાને બુચી બાબુ અને દુલીપ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી હતી. ઈશાને ઈરાની કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ઈશાન રણજી ટ્રોફીની નવી સિઝનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

ઝારખંડની ટીમ

ઈશાન કિશન (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિરાટ સિંહ (વાઈસ-કેપ્ટન), આર્યમન સેન, નાઝીમ સિદ્દીકી, અનુકુલ રોય, શરણદીપ સિંહ, કુમાર સૂરજ, ઉત્કર્ષ સિંહ, સૌરભ શેખર, વિકાસ કુમાર, સુપ્રિયો ચક્રવર્તી, મનીષ, રૌનક કુમાર, વિવેકાનંદ તિવારી.


  • Follow us on: