• ભારત સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે મેદાનમાં ઊતરશે

  • ભારતની ધરતી ઉપર ઇંગ્લેન્ડ વન-ડે ક્રિકેટમાં 51માંથી 33 મેચ હારી ચૂક્યું છે
  • રોહિતબ્રિગેડ મેચ જીતવા કોઈ કસર બાકી રાખશે નહીં

ઘરઆંગણે રમાતા આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં સતત પાંચ મેચ જીતનાર ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને વિજયના આ સિલસિલો ભારત રવિવારે ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચમાં પણ જારી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઊતરશે. રોહિતબ્રિગેડ આ મેચ જીતવા કોઈ કસર બાકી રાખશે નહીં કારણ કે ઇંગ્લેન્ડ સામેના વિજયથી ભારતનું સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. ઇંગ્લેન્ડ સતત કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યું છે અને તે ટૂર્નામેન્ટમાં બહાર થવાના આરે છે. વધુ એક પરાજય ડિફેન્ડિંગ ચેમ્પિયન પાસેથી તેનો તાજ છીનવી લેશે તે નક્કી છે. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ભારતીય કોચ રાહુલ દ્રવિડે પિચ ઉપરનું તમામ ઘાસ કઢાવી નંખાયું હોવાના કારણે મેચ હાઈસ્કોરિંગ બની શકે છે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે. વન-ડે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 106 મેચ રમાઈ છે જેમાં ભારતે 57 તથા ઇંગ્લેન્ડે 44 મેચો જીતી છે. બે મેચો ટાઈ રહી હતી અને ત્રણ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આઠ મેચ રમાઈ છે જેમાં ભારતે ત્રણ અને ઇંગ્લેન્ડે ચાર મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી.

ઓલરાઉન્ડર હાર્દિકની ઈજાએ ભારતનું પ્લાનિંગ બગાડયું

ભારતને ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ખોટ પડશે. સ્પિનર્સને મદદગાર પિચ ઉપર સામાન્ય રીતે શાર્દુલ ઠાકુરના બદલે ઓફ સ્પિનર અશ્વિનને રમાડવામાં આવ્યો હોત પરંતુ હાર્દિકની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટને પાંચ બોલર્સની જ રણનીતિ અપનાવવી પડશે. જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ તથા રવીન્દ્ર જાડેજાનીની પસંદગી નક્કી છે. ત્રીજા સ્પિનર તરીકે અશ્વિનને રમાડવા માટે મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજમાંથી કોઈ એકને બહાર રાખવો પડશે.

સૂર્યકુમાર છઠ્ઠા ક્રમે બેટિંગ કરે તેવી ભારત રણનીતિ અપનાવશે

રોહિત શર્મા અને વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. ભારતના તમામ બેટ્સમેનોએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને છઠ્ઠા ક્રમે બેટિંગમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે. ધર્મશાલામાં શ્રોયસ ઐયરની વિકેટથી શોર્ટ પિચ બોલ સામે તેની નબળાઈની ચર્ચા થઈ હતી પરંતુ તે પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે તૈયાર રહેશે. ડેન્ગ્યૂના કારણે બે મેચ ગુમાવનાર શુભમન ગિલ મોટી ઈનિંગ રમવા આતુર રહેશે.

બંને ટીમના સ્પિનર્સ બેટ્સમેનો ઉપર હાવી થવાનો પ્રયાસ કરશે

ભારતનો ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ તથા જાડેજા શાનદાર રિધમમાં છે અને તેઓ આઉટ ઓફ ફોર્મ રહેલા ઇંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલર, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ તથા લિયામ લિવિંગસ્ટોનની આકરી કસોટી કરશે. ઇંગ્લેન્ડનો પેસ બોલર રિસ ટોપ્લે ઈજાના કારણે બહાર થઈ ગયો છે અને માર્ક વૂડ ફોર્મમાં નથી. સ્પિનર મોઈન અલી અને આદિલ રશિદ અનુભવી હોવાના કારણે તેઓ ભારતના રનરેટ ઉપર બ્રેક મારી શકે છે. ટોસ જીતનાર ટીમ રનચેઝ કરી શકે છે.


  • Follow us on: