- શ્રેયસ ઐયરને લઈને ચર્ચાઓનું વાતાવરણ ગરમાયું
- BCCIએ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવ્યો
- ઐયરની ઈનિંગ જોઈને સચિને તાળીઓ પાડી
રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં મુંબઈનો સામનો વિદર્ભ સાથે થઈ રહ્યો છે. વિદર્ભ સામે મુંબઈની ટીમ ઘણી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી મુંબઈની ટીમે વિદર્ભ પર 515 રનની લીડ મેળવી લીધી છે. મુંબઈ તરફથી બીજી ઈનિંગમાં શ્રેયસ ઐયરે શાનદાર બેટિંગ કરી હતી.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર છે ઐયર
છેલ્લા કેટલાક દિવસોથી શ્રેયસ ઐયરને લઈને ચર્ચાઓનું વાતાવરણ ગરમાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. ત્યારથી આ બેટ્સમેનની ક્રિકેટ કારકિર્દીને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
ઐયરે 95 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી
શ્રેયસ અય્યરે વિદર્ભ સામે રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં 95 રનની ઈનિંગ રમી હતી. તેણે માત્ર 111 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ટીમ માટે મહત્વપૂર્ણ 95 રન ઉમેર્યા હતા. જો કે તે પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો. પરંતુ સ્ટાઈલમાં 95 રન બનાવીને તેણે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
સચિને તાળીઓ પાડી
ઐયર સિવાય મુંબઈના યુવા બેટ્સમેન મુશીર ખાને આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ 73 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીની ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. ઐયરની ઈનિંગ જોઈને તેણે જોરથી તાળીઓ પાડી.
કેપ્ટન રોહિત પણ હાજર હતો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ મુંબઈ અને વિદર્ભ વચ્ચેની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. રોહિત શર્મા મુંબઈ ટીમના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. તે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે ચેટ કરતો જોવા મળ્યો હતો. ઐયરના આઉટ થયા બાદ રોહિત શર્મા નાખુશ દેખાઈ રહ્યો હતો.
કેકેઆરનો કેપ્ટન છે ઐયર
ઐયર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો કેપ્ટન છે. શ્રેયસ ઐયર આ સિઝનમાં KKR માટે વધુ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. ગત સિઝનમાં શ્રેયસની ગેરહાજરીમાં નીતિશ રાણાએ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ વર્ષે T-20 વર્લ્ડ કપ પણ રમાવાનો છે. આવી સ્થિતિમાં ઐયર પાસે IPLમાં પોતાને સાબિત કરવાની છેલ્લી તક હશે.