- 21 વર્ષ બાદ કોઈ બોલરે એક ઇનિંગમાં પાંચ બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કરીને આઉટ કર્યા
- જાડેજાએ 62 ટેસ્ટ મેચમાં પોતાના નામે 259 વિકેટ નોંધાવી રેકોર્ડ બનાવ્યો
- ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની સાત વિકેટ ઝડપી હતી
ભારતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ખતરનાક બોલિંગ કરી હતી. પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપનારા જાડેજાએ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની સાત વિકેટ ખેરવી ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મેચના ત્રીજા દિવસે રવિવારે જાડેજાએ છ વિકેટ લીધી હતી જ્યારે બીજા દિવસે શનિવારે તેણે ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો હતો. આમ તેણે કુલ સાત વિકેટ ઝડપી હતી. મજાની વાત એ છે કે જાડેજાની સાતમાંથી પાંચ વિકેટ ક્લીન બોલ્ડ હતી. છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં આમ બન્યું છે જ્યારે કોઇ બોલરે એક ઇનિંગમાં પાંચ બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા છે. છેલ્લે પાકિસ્તાનના સ્પીડસ્ટાર શોએબ અખ્તરે આમ કર્યુ હતું. તેણે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 2002માં ન્યૂઝીલેન્ડના પાંચ બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા. સ્પીનર્સની વાત કરીએ તો 1992માં છેલ્લે અનિલ કુંબલેએ આ સિદ્ધિ મેળવી હતી. તેણે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે આ સિદ્ધિ મેળવી હતી. જાડેજાની 62 ટેસ્ટમાં 259 વિકેટ થઇ ગઇ છે. સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેવાના મામલે તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર જેસન ગિલેસ્પી અને વિન્ડીઝના જોએલ ગાર્નરની બરાબરી કરી છે. ગાર્નરે 58 ટેસ્ટમાં 259 જ્યારે ગિલેસ્પીએ 71 ટેસ્ટમાં 259 વિકેટ લીધી હતી. સાથે જ જાડેજાએ વિન્ડીઝના માઇકલ હોલ્ડિંગ (249), ઇંગ્લેન્ડના બ્રાયન સ્ટેથમ (252), ન્યૂઝીલેન્ડના વેગનર (253) અને વિન્ડીઝના કેમાર રોચ (254)ને પાછળ રાખ્યા છે.
સૌથી ઓછી ઓવરમાં 7 વિકેટ લેનાર બોલર બન્યો










