• ભારતીય દળે પેરિસ ઓલિમ્પિકમાં કુલ છ પદક જીત્યા હતાં તેમાં બે પદક મનુના નામે છે

  • મનુ અને રાણા વચ્ચે ટોક્યો ઓલિમ્પિક બાદ મતભેદ થયો હતો પરંતુ બન્નેએ ફરીથી સાથે મળી સફળતા મેળવી
  • જ્યારે પણ કશું કરવા અંગે મારા મનમાં સંદેહ હોય ત્યારે તેઓ મારો આત્મવિશ્વાસ વધારે છે

પેરિસ ઓલિમ્પિકમાં બે પદક જીતનારી શૂટર મનુ ભાકરે રવિવારે પોતાના કોચ જસપાલ રાણાની ભરપુર પ્રશંસા કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે તે કોચને પોતાના પિતાની માફક માન આપે છે.

મનુ અને રાણા વચ્ચે ટોકિયો ઓલમ્પિક બાદ મતભેદ થયો હતો પરંતુ બન્ને ફરીથી સાથે આવ્યા અને પેરીસમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. રવિવારે એક મુલાકાતમાં મનુએ જણાવ્યું હતું કે તેઓ મારા માટે પિતા સમાન છે અને એ ભરોસાની બાબત છે કે તમે એક વ્યક્તિ પર વિશ્વાસ કરો છો. જ્યારે પણ કશું કરવા અંગે મારા મનમાં સંદેહ હોય ત્યારે તેઓ મારો આત્મવિશ્વાસ વધારે છે. તેઓ મને થપ્પડ પણ મારી શકે છે અને કહે છે કે તું આમ કરી શકે છે કેમ કે તે આના માટે તાલીમ લીધી છે. જો કે તેણી સ્પષ્ટતા કરે છે કે થપ્પડ મારવાનો અર્થ વાસ્તવમાં લાફો મારવાનો નથી. મારા કહેવાનો મતલબ એ છે કે તેઓ મને મારી મર્યાદાઓ તોડવા માટે પ્રેરીત કરતા રહે છે.

જસપાલ રાણાએ NRAIની નીતિની ટીકા કરી

મનુના કોચ જસપાલ રાણાએ ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ(NRAI)ની આકરી ટીકા કરી હતી. રાણાએ સતત બદલાતી ઓલિમ્પિક પસંદગી નીતિની ટીકા કરતાં જણાવ્યું હતું કે તેને પગલે ભૂતકાળમાં સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓને નુકસાન થયું છે અને જો તેમાં સુધારો કરવામાં નહીં આવે તો આગળ ઉપર પણ તેમ થયા કરશે. રાણાએ NRAI દ્વારા પોતાની નીતિઓમાં અંતિમ સમયે બદલાવ કરવાની પ્રવૃત્તિની ટીકા કરી હતી.


  • Follow us on: