- એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે
- PCB ચેરમેન અને BCCI સેક્રેટરી ICCની બેઠકમાં મળ્યા
- હાઇબ્રિડ મોડલ હેઠળ ભારત તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે
એશિયા કપ 2023ની યજમાનીને લઈને ઘણા મહિનાઓથી ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. ડરબનમાં આઈસીસીની બેઠક દરમિયાન, ટૂર્નામેન્ટના સંગઠનને લઈને બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે ચાલી રહેલી તકરારનો અંત આવ્યો છે. પીસીબીના નવા અધ્યક્ષ ઝકા અશરફ જેમણે અગાઉ હાઇબ્રિડ મોડલનો વિરોધ કર્યો હતો, તેણે હવે તેના હેઠળ એશિયા કપનું આયોજન કરવાની સંમતિ આપી દીધી છે. એટલે કે એશિયા કપનો રસ્તો સાફ થઈ ગયો છે. હવે ટૂંક સમયમાં શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, પાકિસ્તાનના મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે BCCI સેક્રેટરી જય શાહ એશિયા કપ 2023 દરમિયાન પાકિસ્તાનની મુલાકાત લેશે. જોકે, હવે જય શાહે આ અહેવાલોને સદંતર ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે તેઓ ન તો એશિયા કપ પહેલા પાકિસ્તાન જશે, ન તો ટૂર્નામેન્ટ દરમિયાન કે પછી.
તાજેતરમાં જ PCBના અધ્યક્ષ ઝકા અશરફે કહ્યું હતું કે જય શાહને એશિયા કપ 2023 માટે પાકિસ્તાનમાં આમંત્રણ આપ્યા બાદ, BCCI દ્વારા તેમને ICC વર્લ્ડ કપ 2023 માટે ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, આવા આમંત્રણના સમાચારને BCCIના આંતરિક સૂત્રોએ નકારી કાઢ્યા હતા.
હું પાકિસ્તાન જવાનો નથી: જય શાહ
બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, “હું કોઈ વાત પર સહમત નથી. પીસીબી દ્વારા આમંત્રણનો મામલો જાણી જોઈને ફેલાવવામાં આવ્યો છે કે પછી તેમાં કોઈ સાજિશ છે. હું પાકિસ્તાન જવાનો નથી." BCCI સેક્રેટરી શાહ અને PCB અધ્યક્ષ ઝકા અશરફ ડરબનમાં ચાલી રહેલી ICC મીટિંગ બાદ મળ્યા હતા, જ્યાં બંને વચ્ચે એશિયા કપ 2023 અને ODI વર્લ્ડ કપ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયામાં સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે જય શાહે PCB અધ્યક્ષનું પાકિસ્તાન આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. જે તદ્દન ખોટું છે.
ઝકા અશરફે હાઇબ્રિડ મોડલનો વિરોધ કર્યો હતો
તાજેતરમાં જ નજમ સેઠીના સ્થાને પીસીબીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર ઝકા અશરફે શરૂઆતમાં એશિયા કપને હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવાની વાતને નકારી કાઢી હતી. જોકે, હવે BCCI અને PCB આ મોડલ પર સહમત થઈ ગયા છે. આ મોડલ હેઠળ ભારત તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. 9 મેચ શ્રીલંકામાં અને 4 પાકિસ્તાનમાં રમાશે. આવી સ્થિતિમાં 31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે રસ્તો સાફ થઈ ગયો છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો પણ ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકાએ ગયા વર્ષે UAEમાં આયોજિત એશિયા કપ જીત્યો હતો. તેણે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.