- ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે કરિયરમાં ઘણા એવા રેકોર્ડ બનાવ્યા
- સચિન તેંડુલકરે કુલ 664 મેચ રમી અને 782 ઇનિંગ્સમાં 34357 રન બનાવ્યા
- રિકી પોન્ટિંગે ભવિષ્યવાણી કરી છેકે જો રૂટ સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડશે
ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવું કોઈના માટે શક્ય નથી. ટેસ્ટ હોય કે વનડે, તે દરેક બાબતમાં નંબર-1 રહે છે. તેંડુલકરે ટેસ્ટમાં 200 મેચોની 329 ઇનિંગ્સમાં 15921 રન બનાવ્યા હતા. જ્યારે ODIમાં તેણે 463 મેચની 452 ઇનિંગ્સમાં 18426 રન બનાવ્યા હતા. તેણે T20માં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં તેણે 10 રન બનાવ્યા હતા.
સચિન તેંડુલકરના નામે છે આ વર્લ્ડ રેકોર્ડ
આ રીતે તેંડુલકરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 664 મેચ રમી અને 782 ઇનિંગ્સમાં 34357 રન બનાવ્યા. આ રેકોર્ડ સાથે તે વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. ટેસ્ટ હોય કે વનડે કોઈપણ ફોર્મેટમાં તેંડુલકરનો રેકોર્ડ તોડવો મુશ્કેલ લાગે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગનું માનવું છે કે ટેસ્ટમાં સૌથી વધુ રનનો તેનો રેકોર્ડ તોડી શકાય છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. તેંડુલકરનો રેકોર્ડ તોડવા માટે તેને 3895 રન બનાવવા પડશે. જો રૂટ પણ ICC રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન યથાવત છે.
એક વર્ષમાં 800થી 1000 રન બનાવીને તોડશે રેકોર્ડ
રિકી પોન્ટિંગનું માનવું છે કે જો રૂટ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે. પોન્ટિંગે ICC રિવ્યુમાં સંજના ગણેશન સાથે આ વિશે વાત કરી હતી. તેણે કહ્યું- રૂટ ઊંચાઈને સ્પર્શી શકે છે, જો તેનું શાનદાર ફોર્મ ચાલુ રહે. તે સંભવિત રીતે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે. પોન્ટિંગે આગળ કહ્યું- “જો રૂટ અત્યારે 33 વર્ષનો છે. તે તેંડુલકરના રેકોર્ડથી લગભગ 3000 રન પાછળ છે. જો કે સચિનનો રેકોર્ડ તોડવો એ વાત પર નિર્ભર છે કે રૂટ કેટલી ટેસ્ટ મેચ રમે છે. જો તે વર્ષમાં 10 થી 14 ટેસ્ટ મેચ રમી રહ્યો હોય અને 800 થી 1000 રન બનાવતો હોય તો તેનો અર્થ એ છે કે તેને આ રેકોર્ડ સુધી પહોંચવામાં માત્ર ત્રણ કે ચાર વર્ષ લાગશે. ત્યાં સુધીમાં તે 37 વર્ષનો થઈ જશે.
જો રૂટમાં રન બનાવવાની ભુખ
પોન્ટિંગે કહ્યું- "રૂટની રન બનાવવાની ભૂખ હજુ પણ છે, તેથી તે કરી શકે તેવી પૂરી સંભાવના છે." પોન્ટિંગના મતે દરેક બેટ્સમેન 30 વર્ષની ઉંમર સુધીમાં તેની ટોચ પર પહોંચી જાય છે. થોડા સમય પહેલા સુધી લોકો પચાસના સ્કોર સુધી પહોંચી જતા હતા અને સદી ફટકારવા માટે સંઘર્ષ કરતા હતા, પરંતુ હવે એવું નથી. રૂટે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની 32મી ટેસ્ટ સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે રિકી પોન્ટિંગ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન છે. પોન્ટિંગે ટેસ્ટમાં 168 મેચોની 287 ઇનિંગ્સમાં 13378 રન બનાવ્યા છે. રૂટને પોન્ટિંગનો રેકોર્ડ તોડવા માટે 1352 રન બનાવવા પડશે.