- જો રૂટે ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ફટકારી સદી
- રૂટે હેરી બ્રુક સાથે ચોથી વિકેટ માટે 294 રનની કરી ભાગીદારી
- મહાન ખેલાડી ડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીની બરાબરી કરી
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં જો રૂટે સદી ફટકારી છે. તેણે છેલ્લે 1 જુલાઈ 2022ના રોજ છેલ્લી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે મહાન ખેલાડી ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી હતી.
રૂટની ટેસ્ટ કારકિર્દીની આ 29મી સદી
જો રૂટે ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં સદી ફટકારી છે. પ્રથમ દિવસની રમતના અંતે તે 182 બોલમાં 101 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં 8 મહિના પછી તેના બેટમાંથી સદી નીકળી. આ સદી સાથે તેણે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનની સદીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી
જો રૂટની કારકિર્દીની આ 29મી સદી છે. ડોન બ્રેડમેને પણ પોતાની કારકિર્દીમાં 29 સદી ફટકારી હતી. ડિસેમ્બર 2012માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર જો રૂટે તેની 10 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 10,801 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટિંગ એવરેજ 49.77 છે. તેણે આ ફોર્મેટમાં 56 અડધી સદી પણ ફટકારી છે.
હેરી બ્રુક સાથે 294 રનની ભાગીદારી
જો રૂટની આ મહત્વપૂર્ણ ઇનિંગ વેલિંગ્ટન ટેસ્ટમાં ત્યારે આવી જ્યારે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 21 રનમાં 3 વિકેટ ગુમાવી ચૂકી હતી. જો રૂટે હેરી બ્રુક (184) સાથે મળીને ચોથી વિકેટ માટે 294 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું હતું. હાલમાં આ બંને ખેલાડીઓ પ્રથમ દિવસની રમતના અંતે અણનમ પેવેલિયન પરત ફર્યા છે. પહેલા દિવસે માત્ર 65 ઓવર જ રમાઈ શકી હતી. અહીં વરસાદના કારણે મેચ રોકવી પડી હતી.

રૂટ સચિનનો આ રેકોર્ડ તોડી શકે છે
જો રૂટ હાલમાં તેની 129મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે 12મા નંબર પર છે. તે નંબર-1 પર સચિન તેંડુલકરના 15,921 રનથી 5,120 રન પાછળ છે. રૂટ માત્ર 32 વર્ષનો છે. આવી સ્થિતિમાં જો તે 6-7 વર્ષ ટેસ્ટ ક્રિકેટમાં રહે છે અને આ રીતે રન બનાવતો રહે છે તો તે સચિનનો રેકોર્ડ તોડી શકે છે.