- ટીમની ઉપકપ્તાન સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામેની મહત્ત્વની મેચમાંથી બહાર
- સ્મૃતિ મંધાના હજી આંગળીની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ શકી નથી
- કપ્તાન હરમનપ્રીત કૌર ખભાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે
T20 વર્લ્ડ કપની પહેલી મેચ પહેલા જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની ઉપકપ્તાન સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામેની મહત્ત્વની મેચમાં ભાગ લઈ શકશે નહીં. સ્મૃતિ મંધાના હજી આંગળીની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ શકી નથી જેના કારણે તે રવિવારે પાકિસ્તાન સામેની મહિલા T20 વર્લ્ડ કપ ઓપનરમાંથી બહાર થઈ ગઈ છે.
ફીલ્ડિંગ દરમિયાન સ્મૃતિને ઈજા થઈ હતી
ભારતીય ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. સ્મૃતિ મંધાના આ મેચમાં નહીં રમી શકે. 26 વર્ષીય મંધાના આ અઠવાડિયાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન ફીલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં પણ રમી શકી નહોતી.
કોચે મોટું અપડેટ આપ્યું
એક્ટિંગ કોચ ઋષિકેશ કાનિટકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'સ્મૃતિની આંગળીમાં હજુ પણ ઈજા છે અને તે હજુ સ્વસ્થ થઈ રહી છે. એટલા માટે તેના રમવાની કોઈ શક્યતા નથી. સારી વાત એ છે કે તેની આંગળીમાં કોઈ ફ્રેક્ચર નથી અને અમે આશા રાખીએ છીએ કે તે બીજી મેચથી રમી શકશે.
હરમનપ્રીત કૌર સંપૂર્ણ રીતે ફિટ છે
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કાનિટકરે કહ્યું કે કપ્તાન હરમનપ્રીત કૌર વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય સીરિઝ દરમિયાન ખભાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે. તેણે કહ્યું, 'હરમન રમવા માટે ફિટ છે. તેણે છેલ્લા બે દિવસમાં નેટ્સ પર બેટિંગ કરી, તે રમવા માટે ફિટ છે. કાનિટકરે વધુમાં કહ્યું, ‘તમે મજબૂત ટીમ સામે રમવા માગો છો. અમે મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, વાતાવરણ ઘણું સારું છે.'










