- KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને IPL ટ્રોફી જીતી
- કોલકાતા અગાઉ 2012 અને 2014માં ચેમ્પિયન બની હતી
- વિમેન્સ પ્રીમિયર લીગ અને IPLમાં જોવા મળ્યો હતો ખાસ સંયોગ
IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું. તેણે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 8 વિકેટે મેચ જીતીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું. કોલકાતા અગાઉ 2012 અને 2014માં ચેમ્પિયન બની હતી. તે સમયે ગૌતમ ગંભીર ટીમનો કેપ્ટન હતો. આ વખતે તે મેન્ટરની ભૂમિકામાં પાછો ફર્યો અને 10 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો. આ મેચના કેટલાક આંકડા આ વર્ષે આયોજિત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ સાથે મેળ ખાય છે. આ અનોખો સંયોગ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ભારતીય કેપ્ટન સામે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ દિલ્હી કેપિટલ્સની કેપ્ટન હતી. તેની સામે એક ભારતીય કેપ્ટન હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કમાન સ્મૃતિ મંધાનાના હાથમાં હતી. IPL ફાઈનલમાં પણ કંઈક આવું જ થયું હતું. ભારતીય કેપ્ટનની સામે ઓસ્ટ્રેલિયન કેપ્ટન હતો. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ ઐયર સામે હતો.
ટોસમાં પણ સમાનતા
WPLની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગે ટોસ જીત્યો હતો. તેણે RCB સામે બેટિંગ કરવાનું પસંદ કર્યું. IPLમાં પણ આવું જ થયું હતું. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
પ્રથમ દાવના સ્કોરમાં પણ સમાનતા
WPL ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. IPL ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ સાથે પણ આવું જ થયું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય કેપ્ટને જીત મેળવી
WPL ફાઇનલમાં ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં RCB ટીમ 8 વિકેટે જીતીને ચેમ્પિયન બની હતી. IPLમાં પણ આવું જ થયું હતું. ભારતીય ખેલાડી શ્રેયસ ઐયરની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 8 વિકેટે જીતીને ચેમ્પિયન બની હતી.