લાલ બજરીના રાજા તરીકે ઓળખાતા રાફેલ નડાલે ટેનિસની રમતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. ડેવિસ કપ ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં નડાલ છેલ્લી વખત કોર્ટ પર જોવા મળશે. તેમના કરિયરમાં 22 ગ્રાન્ડ સ્લેમ જીતનાર નડાલની નિવૃત્તિ સાથે એક યુગનો અંત થયો છે. નડાલ લાંબા સમયથી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને ગયા વર્ષથી તે માત્ર ચાર ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો છે. માત્ર 19 વર્ષની ઉંમરે નડાલ સેમિફાઇનલમાં મહાન રોજર ફેડરરને હરાવીને પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો અને તે ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો. જો કે, નડાલની ટેનિસ કોર્ટ સુધી પહોંચવાની કહાની પણ ઘણી રસપ્રદ છે. નડાલના દાદા સંગીતકાર હતા અને તેમના કાકા જાણીતા ફૂટબોલ ખેલાડી હતા.
કેવી રીતે નડાલે ટેનિસની દુનિયામાં પહેલું પગલું ભર્યું
રાફેલ નડાલનો જન્મ 3 જૂન 1986ના રોજ સ્પેનના મેલોર્કા શહેરમાં થયો હતો. નડાલ એવા પરિવારમાંથી આવે છે જ્યાં રમત તેના લોહીમાં છે. નડાલના કાકા ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી હતા. નડાલે માત્ર ચાર વર્ષની ઉંમરે પ્રથમ વખત ટેનિસ કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. નડાલે તેના બીજા કાકા ટોની નડાલના આશ્રય હેઠળ ટેનિસની ટ્રેનિગ લીધી હતી. જમણા હાથે અભ્યાસ અને લેખન કરતા નડાલે જબરદસ્ત પ્રેક્ટિસ દ્વારા ડાબા હાથથી ફોરહેન્ડ શોટ રમવામાં નિપુણતા મેળવી હતી. નડાલે ટૂંક સમયમાં જ જુનિયર ટુર્નામેન્ટમાં પોતાની છાપ બનાવવાનું શરૂ કર્યું અને 2002માં તે વિમ્બલ્ડન ચેમ્પિયનશીપની સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો.
માત્ર 18 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ
રાફેલ નડાલ પ્રથમ વખત ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેણે 2004માં માત્ર 18 વર્ષની ઉંમરે ડેવિસ કપનો ખિતાબ જીત્યો હતો. ડેવિસ કપ જીતનાર નડાલ સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે ફાઇનલ મેચમાં તત્કાલિન વિશ્વના નંબર બે ખેલાડી એન્ડી રોડિકને હરાવીને સનસનાટી મચાવી હતી. આ પછી નડાલે વધુ ચાર વખત આ ખિતાબ જીત્યો.
ફેડરર સામેની સૌથી યાદગાર ફાઈનલ
રાફેલ નડાલે ખૂબ જ નાની ઉંમરમાં ટેનિસની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. 2006 અને 2007માં રોજર ફેડરરના હાથે વિમ્બલ્ડનની ફાઇનલમાં હારનો સામનો કર્યા બાદ, નડાલે 2008માં એવી જાદુઈ રમત રમી કે દરેક તેના પ્રશંસક બની ગયા. લગભગ પાંચ કલાક ચાલેલી મેચમાં ફેડરર સામે નડાલે શાનદાર પ્રદર્શન કર્યું અને વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું. 2010માં ચાર ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા પછી નડાલને કરિયાર ગોલ્ડન સ્લેમ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે બીજો ખેલાડી બન્યો.
લાલ બજરીનો રાજા નડાલ
નડાલને હંમેશા લાલ બજરી માટે ખાસ પ્રેમ રહ્યો છે. વર્ષ 2005માં નડાલે તેના ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ વખત રોલેન્ડ-ગેરોસ ખિતાબ જીત્યો હતો. બ્યોર્ન બોર્ગ પછી નડાલ સતત ચાર વખત ફ્રેન્ચ ઓપન જીતનાર માત્ર બીજો ખેલાડી બન્યો. 2006 અને 2008ની વચ્ચે ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં નડાલનો સામનો મહાન રોજર ફેડરર સામે થયો હતો અને દરેક વખતે ફેડરરને હરાવવા માટે નડાલને ચાર સેટથી વધુ સમય લાગ્યો ન હતો. અહીંથી જ નડાલને લાલ બજરીનો રાજા કહેવામાં આવે છે. નડાલે તેના કરિયારમાં સૌથી વધુ 14 ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા છે, જે એક વિશ્વ રેકોર્ડ પણ છે.
22 ગ્રાન્ડ સ્લેમની સાથે કરિયરનો અંત
રાફેલ નડાલે તેની કારકિર્દીમાં કુલ 22 ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. નડાલે આ મામલે ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરને પાછળ છોડી દીધો છે. ફેડરરે તેની કારકિર્દીમાં કુલ 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. માત્ર નોવાક જોકોવિચ જ નડાલ કરતા વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહ્યો છે, જેની પાસે અત્યાર સુધી કુલ 24 ગ્રાન્ડ સ્લેમ છે.