- કોહલીએ મિચેલ માર્શનો કેચ ઝડપી સૌથી વધુ કેચની સિદ્ધિ પોતાના નામે કરી
- ભારત વતી વર્લ્ડકપમાં સૌથી વધારે કેચ ઝડપનાર ખેલાડી
- વનડે વર્લ્ડકપમાં હવે કોહલીના નામે કુલ 15 કેચ
અહીંના ચેપોક ક્રિકેટ મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપની પોતાની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા ઉતરી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી. કાંગારુ ટીમની શરૂઆત સારી રહી નહોતી કારણ કે ટીમના ઓપનર મિચેલ માર્શ ક્લિક કરી શક્યો નહોતો અને તે શૂન્ય રને આઉટ થયો હતો. માર્શનો કેચ વિરાટ કોહલીએ ઝડપ્યો હતો. આ કેચ પકડવાની સાથે જ વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
ભારતીય ટીમના પૂર્વ સુકાની વિરાટે જેવો માર્શનો કેચ ઝડપ્યો ત્યારે તે ટીમ ઇન્ડિયા તરફથી વર્લ્ડકપની મેચોમાં સૌથી વધારે કેચ પકડનારો ફિલ્ડર બની ગયો હતો. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ સુકાની અનિલ કુંબલેના નામે હતો. મિચેલ માર્શ ત્રીજી ઓવરના બીજા બોલને સમજી શક્યો નહોતો. બુમરાહનો આ બોલ ઓફ સ્ટમ્પ પર હતો અને તે માર્શના બેટની આઉટ સાઇડને સ્પર્શીને સ્લીપમાં રહેલા કોહલી તરફ ગયો હતો. કોહલીએ ડાઇવ મારીને બંને હાથે કેચ ઝડપી લીધો હતો. વનડે વર્લ્ડકપમાં હવે કોહલીના નામે કુલ 15 કેચ થઇ ગયા છે અને અનિલ કુંબલેના નામે 14 કેચ બોલે છે. કોહલીએ હવે કુંબલેને પાછળ રાખી દીધો છે. તે ભારત વતી વર્લ્ડકપમાં સૌથી વધારે કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે. લિસ્ટમાં તેન્ડુલકર અને કપિલ દેવ 12-12 કેચ સાથે ત્રીજા નંબર પર છે.










