બોર્ડર-ગાવસ્કર સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો ફ્લોપ શો જારી રહ્યો છે. પર્થમાં ઈન્ડિયા A વિરૂદ્ધ રમાયેલી ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની બેટિંગથી નિરાશ કર્યા છે. રિષભ પંત પણ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો. ન્યુઝીલેન્ડ સિરીઝમાં રન માટે સંઘર્ષ કરી રહેલા યશસ્વી જયસ્વાલનું બેટ પણ શાંત રહ્યું હતું. WACA મેદાન પર ટીમ ઈન્ડિયાના મુખ્ય બેટ્સમેનોના ફ્લોપ શોએ ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધુ વધારો કર્યો છે. કેએલ રાહુલ એકમાત્ર એવો બેટ્સમેન હતો જે અમુક અંશે ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ ઈજાના કારણે તેણે મેદાન છોડવું પડ્યું હતું.


કોહલીએ ફરી નિરાશ કર્યા

ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ખરાબ રીતે ફ્લોપ થયા બાદ વિરાટ કોહલીનું બેટ ઈન્ટ્રા-સ્કવોડ મેચમાં પણ પ્રદર્શન કરી શક્યું ન હતું. કોહલીએ શાનદાર કવર ડ્રાઈવ સાથે ઈનિંગની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. 15 રન બનાવ્યા બાદ કિંગ કોહલી બીજી સ્લિપમાં મુકેશ કુમારના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. જો કે, અહેવાલો અનુસાર, આઉટ થયા પછી તરત જ, વિરાટ સીધો પ્રેક્ટિસ સેશનમાં ગયો અને ત્યાં ખૂબ પરસેવો પાડ્યો. વિરાટનું ફોર્મમાં પરત આવવું ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.


પંત-યશસ્વી પણ ફ્લોપ રહ્યા

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ફોર્મમાં દેખાતો એકમાત્ર બેટ્સમેન રિષભ પંત પણ ઈન્ટ્રા-સ્કવોડ રમતમાં બેટથી કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. પંત માત્ર 19 રન બનાવીને નિતીશ રેડ્ડીના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. યશસ્વી જયસ્વાલ, જે ઘરની ધરતી પર રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો, તે ઇન્ટ્રા-સ્કવોડ મેચમાં સંપૂર્ણપણે શાંત રહ્યો હતો. ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલો યશસ્વી માત્ર 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેએલ રાહુલે 29 રન બનાવ્યા હતા, પરંતુ ઈજાના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે.

  • Follow us on: