- રિવ્યૂમાં પણ બોલ કોહલીના બેટને અડીને પેડને અડયો હતો
- થર્ડ અમ્પાયરને કોહલીને બેનિફિટ ઓફ ડાઉટ ના આપ્યો
- ડ્રેસિંગરૂમમાં કોહલી તથા ટીમ નારાજ દેખાઈ
ઓસ્ટ્રેલિયા સામે રમાતી બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતનો સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર રિધમમાં જણાતો હતો પરંતુ તે અડધી સદી નોંધાવવાથી વંચિત રહ્યો હતો. મેચના બીજા દિવસે કોહલી 44 રન બનાવીને આઉટ થયો હતો જેમાં તેણે ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. મેથ્યૂ કુહનેમાને તેને એલબીડબ્લ્યૂ કર્યો હતો. અમ્પાયરના નિર્ણયથી નારાજ થયેલો કોહલી ડ્રેસિંગરૂમમાં જઈને ભડક્યો હતો. તે ભારે ગુસ્સામાં જણાતો હતો. સોશિયલ મીડિયામાં પણ સમર્થકોએ અમ્પાયર સામે ભડાસ કાઢી હતી.
50મી ઓવરમાં સ્પિનર કુહનેમાન બોલિંગ કરવા આવ્યો હતો. તેના ત્રીજા બોલને કોહલીએ ડિફેન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલ તેના બેટને અડીને પેડ ઉપર અથડાયો હતો. ફિલ્ડ અમ્પાયરે કોહલીને આઉટ આપ્યો હતો. કોહલીએ તરત જ રિવ્યૂ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ જણાતું હતું કે, બોલ કોહલીના બેટને અડયા બાદ પેડને અથડાયો હતો. તમામને આશા હતી કે કોહલીને ફાયદો થશે અને તેને નોટઆઉટ આપવામાં આવશે પરંતુ થર્ડ અમ્પાયરે પણ ફિલ્ડ અમ્પાયરના ઓરિજિનલ નિર્ણયને વળગી રહીને કોહલીને આઉટ જાહેર કર્યો હતો.
ડ્રેસિંગરૂમમાં કોહલી તથા ટીમ નારાજ દેખાઈ ।
થર્ડ અમ્પાયરના નિર્ણયના કારણે કોહલી સાથે ડ્રેસિંગરૂમમાં નારાજ દેખાતી હતી. કોહલી ગુસ્સામાં પોતાની ભડાશ બહાર કાઢી રહ્યો હતો. કોહલીએ પણ રિવ્યૂ રિપ્લેને નિહાળ્યો હતો. ત્યારબાદ તે ગુસ્સામાં ડ્રેસિંગરૂમના અંદરના ભાગમાં જતો રહ્યો હતો. વિરાટ કોહલી અને અમ્પાયર નીતિન મેનન વચ્ચે આઉટના નિર્ણય અંગે વિવાદ સર્જાયો હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ પહેલાં પણ આઇપીએલની સાથે ઇન્ટરનેશનલ મેચમાં મેનન કોહલીને આઉટ આપી ચૂક્યો છે અને વારંવાર વિવાદ પણ થયો છે. એક યૂઝરે લખ્યું હતું કે, નીતિન ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યો છે અને તે તેમનો 12મો ખેલાડી છે.
આઇસીસીનો નિયમ શું કહે છે ?
જો બેટ અને પેડને એક જ સમયે બોલ વાગે છે તો તેનો બેનિફિટ ઓફ ડાઉટ બેટ્સમેનને મળતો હોય છે. આઇસીસીના નિયમ 36.2.2ના અનુસાર એલબીડબ્લ્યૂના સમયે જો બોલ બેટ્સમેનના બેટ તથા શરીરના કોઈ ભાગને એક સમયે વાગે તો તેને બોલ પ્રથમ બેટને વાગ્યું હોવાનું ગણવામાં આવે છે. નિયમ અનુસાર થર્ડ અમ્પાયરે કોહલીને નોટઆઉટ જાહેર કરવાનો હતો. કોહલીનું ફોર્મ તથા રિધમ જોતાં તે મોટી ઇનિંગ રમીને ભારતને મોટી લીડ અપાવશે તેમ લાગતું હતું પરંતુ થર્ડ અમ્પાયરના ખોટા નિર્ણયનો તે ભોગ બન્યો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમનું પલડું ભારે થયું હતું.