- આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો
- 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ મારી છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે : મેસ્સી
- આગામી 2026ના ફૂટબોલ વર્લ્ડ કપ વખતે મેસ્સી 39 વર્ષનો થઈ ગયો હશે
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. મેસ્સીએ જાહેરાત કરી છે કે વર્ષ 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. એટલે કે આ વર્લ્ડ કપ પછી તે ગમે ત્યારે નિવૃત્ત થઈ શકે છે, કારણ કે આ પછી આગામી વર્લ્ડ કપ ચાર વર્ષ પછી જ યોજાશે.
આર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસીએ પુષ્ટિ કરી છે કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે તો તેણે કહ્યું કે હા, તે એકદમ છેલ્લો છે. તમને જણાવી દઈએ કે 2022 પછી આગામી ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં થશે અને ત્યારે લિયોનેલ મેસ્સી 39 વર્ષનો થઈ ગયો હશે. આ જ કારણે તેણે અત્યારથી છેલ્લા વર્લ્ડ કપની વાત કન્ફર્મ કરી દીધી છે.
35 વર્ષીય લિયોનેલ મેસીએ જણાવ્યું કે, હું શારીરિક રીતે વધુ સારું અનુભવી રહ્યો છું અને મને આશા છે કે વર્લ્ડ કપ પહેલા પણ મારી સિઝન સારી રહેશે. આ પહેલી વાર નથી, હું ઈજામાંથી પાછો આવ્યો છું અને હવે સારું અનુભવું છું. હવે હું વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છું, હકીકત એ છે કે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નર્વસનેસ વધી રહી છે.









