- ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી સીરીઝ 2-1થી જીતી લીધી
- ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં ભારતને 21 રને હરાવ્યું
- ભારતીય ટીમ ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડે શ્રેણી હારી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે સીરીઝની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ 21 રને જીતી લીધી છે. આ સાથે કાંગારૂ ટીમે સીરીઝ પણ 2-1થી જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 248 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં ભારતને 21 રને હરાવ્યું છે. આ સાથે ત્રણ મેચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમ ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડે શ્રેણી હારી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 269 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી અને વિરાટ કોહલીની અડધી સદીના કારણે મેચ જીતવાની નજીક પહોંચી હતી, પરંતુ અંતે ભારતે સતત વિકેટો ગુમાવી હતી અને આખી ટીમ 248 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતે મુંબઈમાં આ શ્રેણીની પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમમાં બીજી વનડે 10 વિકેટે જીતી લીધી હતી અને હવે ત્રીજી મેચ પણ જીતીને શ્રેણી જીતી લીધી હતી.
ભારતનો સ્કોર 200 રનને પાર
ભારતનો સ્કોર છ વિકેટના નુકસાને 200 રનને પાર થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી થઈ રહી છે. ટીમ ઈન્ડિયાને જીત અપાવવાની જવાબદારી આ બે ખેલાડીઓ પર છે. ભારતનો સ્કોર 40 ઓવર બાદ છ વિકેટે 204 રન છે.
ભારતની છઠ્ઠી વિકેટ પડી
આ મેચમાં પણ સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ સિરીઝની ત્રણેય મેચમાં તે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. એશ્ટન અગરે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે સતત બે બોલમાં વિકેટ લઈને ભારતીય ટીમને બેકફૂટ પર લાવી દીધી છે. હવે ભારત માટે મેચ જીતવી મુશ્કેલ બની જશે.
વિરાટ કોહલીની અડધી સદી
વિરાટ કોહલીની અડધી સદી પૂરી થઈ ગઈ છે. તેણે 61 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા છે. કોહલીએ અત્યાર સુધી પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. હવે ભારતને જીત તરફ લઈ જવાની જવાબદારી કોહલી પર છે. ભારતને જીતવા માટે 19 ઓવરમાં 110 રનની જરૂર છે. કોહલી સાથે હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે.
ભારતની પ્રથમ વિકેટ પડી
ભારતની પહેલી વિકેટ 65 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 17 બોલમાં 30 રન બનાવીને આઉટ. સીન એબોટે તેને મિશેલ સ્ટાર્કના હાથે કેચ કરાવ્યો હતો. હવે વિરાટ કોહલી શુભમન ગિલ સાથે ક્રિઝ પર છે.
ભારતની બેટિંગ શરૂ
270 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ભારતે પ્રથમ ઓવરમાં ચાર રન બનાવ્યા હતા. આ મેચમાં આ બંને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત આપવા ઈચ્છશે. આ શ્રેણીની બંને મેચમાં ભારતના ઓપનરોએ નિરાશ કર્યા છે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 269 રનમાં સમેટાઈ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 270 રનનો ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ સિરાજે સ્ટાર્કને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. સ્ટાર્કે 10 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતી વખતે કાંગારૂ ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી અને 49 ઓવરમાં 269 રનમાં સમેટાઈ ગઈ હતી. ચેન્નાઈની પીચ બેટિંગ માટે બહુ સરળ નથી, તેથી ભારત માટે આ લક્ષ્યનો પીછો કરવો બહુ આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. તો ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને બે-બે વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટ 245 રનના સ્કોર પર પડી હતી. અક્ષર પટેલે સીન એબોટને આઉટ કરીને ભારતને આઠમી સફળતા અપાવી છે. એબોટે 23 બોલમાં 26 રન બનાવ્યા હતા.
અક્ષર-કુલદીપે સ્ટોઈનિસ-કેરીની પોર્ટનરશીપ તોડી
માર્કસ સ્ટોઇનિસને અક્ષર પટેલે આઉટ કર્યો. તે 26 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તો કુલદીપ યાદવે ભારતને સાતમી સફળતા અપાવી હતી. તેણે 39મી ઓવરના પહેલા બોલ પર એલેક્સ કેરીને ક્લીન બોલ્ડ કર્યો હતો. કેરીએ 46 બોલમાં 38 રન બનાવ્યા હતા. 40 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 209 રન છે.
સ્ટોઈનિસ-કેરીએ અર્ધશતકીય ભાગીદારી પૂરી કરી
માર્કસ સ્ટોઈનિસ અને એલેક્સ કેરી વચ્ચેની અર્ધશતકીય ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 36 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા છે. સ્ટોઇનિસ 24 અને કેરી 30 રન બનાવીને રમી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 149 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા છે. એલેક્સ કેરી 12 રને અને માર્કસ સ્ટોઇનિસ 4 રને રમી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 125 રનના સ્કોર પર પડી હતી. કુલદીપ યાદવે ડેવિડ વોર્નરને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો. વોર્નરે 31 બોલમાં 23 રન બનાવ્યા હતા. હવે એલેક્સ કેરી માર્નસ લાબુશેન સાથે ક્રીઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 25 ઓવર બાદ ચાર વિકેટે 126 રન છે.
20 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 106/3
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સની 20 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે ત્રણ વિકેટે 106 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર 16 અને માર્નસ લાબુશેન આઠ રન બનાવીને રમી રહ્યા છે. વોર્નરને 20મી ઓવરના છેલ્લા બોલ પર જીવનદાન મળ્યું હતું. જાડેજાના બોલ પર મોહમ્મદ સિરાજ તેનો કેચ લઈ શક્યો ન હતો.
ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકશાન પર 20 ઓવર બાદ 106 રન બનાવી લીધા છે
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પણ હાર્દિક પંડ્યાએ ઝડપી છે. તેણે 15મી ઓવરના ત્રીજા બોલ પર મિશેલ માર્શને ક્લીન બોલ્ડ કર્યો હતો. માર્શે 47 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યાો હતો. માર્શના આઉટ થયા બાદ માર્નીશ લાબુશેન ક્રિઝ પર આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો
હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. તેણે 13મી ઓવરના બીજા બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો. સ્મિથનો કેચ કેએલ રાહુલે વિકેટ પાછળ પકડ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. સ્મિથ બાદ ડેવિડ વોર્નર બેટિંગ કરવા આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી
હાર્દિક પંડ્યાએ આવતાની સાથે જ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 68ના સ્કોર પર પડી હતી. હેડ 31 રન બનાવીને આઉટ થયો.
10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 61/0
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો પાવરપ્લે પૂરો થઈ ગયો છે. તેણે 10 ઓવરમાં વિના વિકેટે 61 રન બનાવ્યા છે. મિચેલ માર્શ 33 બોલમાં 33 અને ટ્રેવિસ હેડ 27 બોલમાં 27 રન બનાવીને અણનમ છે. ભારતીય ટીમ પ્રથમ સફળતાની રાહ જોઈ રહી છે.
હેડ અને માર્શે ઓસ્ટ્રેલિયાને મજબૂત શરૂઆત અપાવી
પ્રથમ પાંચ ઓવરમાં હેડ અને માર્શની જોડીએ ભારતીય બોલરોને પરેશાન કર્યા છે. પાંચ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 39 રન છે. માર્શ 27 રન બનાવીને રમી રહ્યો છે. હેડે પણ 11 રન બનાવ્યા છે. ભારતે અક્ષર પટેલને બોલિંગ સોંપી છે.
ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ થયો
ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆત થઈ છે. મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર છે. ડેવિડ વોર્નરને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો નથી. ભારત તરફથી બોલિંગની શરૂઆત મોહમ્મદ શમીએ કરી છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈની નવી પીચ પર ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં એક પણ ફેરફાર કર્યો નથી. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ટીમમાં પાછો ફર્યો છે. તે અનફિટ કેમરૂન ગ્રીનની જગ્યાએ રમશે.
ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમી રહી છે. ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયા સામેની છઠ્ઠી વનડે શ્રેણી જીતવા પર હશે. ઓસ્ટ્રેલિયાના ડાબોડી ફાસ્ટ બોલર સ્ટાર્કે પ્રથમ બે મેચમાં આઠ વિકેટ ઝડપી છે. તેણે મુંબઈમાં પ્રથમ મેચમાં ત્રણ અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં ભારતે ઝડપી બોલરો સામે તેની તમામ દસ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતના ટોચના બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવે ધારદાર બોલિંગ આક્રમણ સામે શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. સ્ટાર્કે તેની ગતિ અને સ્વિંગથી રાઈટ હેન્ડ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. ભારતીય બેટ્સમેનોએ રણનીતિમાં બદલાવ સાથે મજબૂત માનસિકતા સાથે બહાર આવવાની જરૂર છે.
પિચ રિપોર્ટ
ચેપોક મેદાન લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી રહ્યું છે. નવી પીચ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે ચેપોક મેદાન ધીમા બોલરોને મદદ કરે છે. સ્પિનર્સ અસરકારક હોઈ શકે છે. ઇનિંગ્સની મધ્યમાં રન બનાવવા સરળ નથી.
બંને ટીમોની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), લેબુશેન, ટ્રેવિસ હેડ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), એડમ ઝમ્પા, સીન એબોટ, એશ્ટન અગર, મિચેલ સ્ટાર્ક.










