- જેસિકા પેગુલા અને વિક્ટોરિયા અઝારેન્કોની આગેકૂચ જારી
- ગ્રાસિયાને 7-5,6-4થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
- ગયા વર્ષે સિનસિનાટી ઓપનમાં પ્રથમ ક્રમાંકિત ઇગા સ્વિયાતેકને હરાવી હતી
મેડિસન કિસે કિરોલિના ગ્રાસિયાને દુબઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં સતત ચોથો પરાજય આપીને હરીફ ખેલાડી સામેનો રેકોર્ડ 4-1નો કર્યો હતો. બીજી તરફ જેસિકા પેગુલા અને વિક્ટોરિયા અઝારેન્કોએ પણ પોતપોતાના મુકાબલા જીતીને આગેકૂચ જાળવી રાખી હતી. મેડિસન કિસે ચોથી ક્રમાંકિત ગ્રાસિયાને 7-5,6-4થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 23મી ક્રમાંકિત કિસે તેની કારકિર્દીમાં 11મી વખત ટોપ-5માં સામેલ ખેલાડીને હરાવી છે. તેણે ગયા વર્ષે સિનસિનાટી ઓપનમાં પ્રથમ ક્રમાંકિત ઇગા સ્વિયાતેકને હરાવી હતી. તેનો આગામી મુકાબલો 15મી ક્રમાંકિત વિક્ટોરિયા અઝારેન્કો સામે થશે જેની સામે તે હજુ સુધી એક પણ વિજય મેળવી શકી નથી. ગયા મહિને અઝારેન્કો સામે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં તેનો 1-6, 6-2, 6-1થી પરાજય થયો હતો. 2010ની રનર્સ-અપ અઝારેન્કો ત્રીજા સેટમાં 5-3થી પાછળ રહ્યા બાદ અમાન્ડો એનિસિમોવાને 4-6, 6-4, 7-6 (5)થી હરાવવામાં સફળ રહી હતી. અમેરિકાની જેસિકા પેગુલાએ ક્વોલિફાયર વિક્ટોરિયા ટોમોવાને 6-2, 5-7, 6-1થી હરાવીને અંતિમ-16માં પ્રવેશ કર્યો હતો.










