રાહુલ દ્રવિડના બંને પુત્રો તેમના પિતાના પગલે ચાલીને ક્રિકેટર બનવાના માર્ગે છે
મોટા પુત્ર સમિત દ્રવિડની ટી20 લીગ માટે પસંદગી કરવામાં આવી છે
નાનો પુત્ર વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16 ટુર્નામેન્ટમાં કેપ્ટન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મોટો રોલ પ્લે કર્યો હતો. ટી20 વર્લ્ડકપ બાદ તેને ભારતીય ટીમને વિદાય આપી હતી. દ્રવિડનો કાર્યકાળ ભલે પૂરો થઈ ગયો હોય, પરંતુ ભારતીય ક્રિકેટમાં તેનું નામ હંમેશા ચમકતું રહેશે. દ્રવિડના બંને પુત્રો પણ તેમના પિતાના પગલે ચાલીને ક્રિકેટર બનવાના માર્ગે છે.
એક નહીં પરંતુ તેના બંને પુત્રો ક્રિકેટર બની રહ્યા છે. મોટા પુત્ર સમિત દ્રવિડને તાજેતરમાં મહારાજા ટ્રોફી KSCA ટી20ની આગામી સીઝન માટે હરાજીમાં ખરીદવામાં આવ્યો હતો. મૈસુર વોરિયર્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સમિતને 50 હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.
ડાબા હાથનો ફાસ્ટ બોલર છે સમિત દ્રવિડ
સમિત દ્રવિડ મધ્યમ ક્રમનો બેટ્સમેન અને ઝડપી બોલર છે. તે કર્ણાટકની અંડર-19 ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. ખાસ વાત એ છે કે કર્ણાટકે કૂચ બિહાર ટ્રોફી પર કબજો કર્યો હતો. આ સમય દરમિયાન આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડરે મુંબઈ સામેની ફાઈનલ દરમિયાન તેની ઝડપી બોલિંગ કુશળતા દર્શાવી હતી. તેને 19 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. સમિતની બોલિંગના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. સમિત ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ લેંકશાયર સામે KSCA XI તરફથી પણ રમી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે મહારાજા ટ્રોફી 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થશે. જેમાં સમિત દ્રવિડ પોતાનો જાદુ બતાવતો જોવા મળશે.
અન્વય દ્રવિડ બન્યો કેપ્ટન
રાહુલ દ્રવિડનો બીજો પુત્ર અન્વય દ્રવિડ પણ તેના પગલે ચાલી રહ્યો છે. નાના પુત્ર અન્વયે ગયા વર્ષે વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેને કર્ણાટકની અંડર 16 ટીમનું નેતૃત્વ કર્યું. તે ટીમમાં વિકેટકીપરનો રોલ પ્લે કરે છે. આ ટૂર્નામેન્ટમાં વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે પણ ભાગ લીધો હતો. તેને દિલ્હીની ટીમનું નેતૃત્વ કર્યું. સેહવાગ અને દ્રવિડ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. આર્યવીરે આ ટૂર્નામેન્ટમાં શાનદાર અડધી સદી ફટકારી હતી.
રાહુલ દ્રવિડ બાળકોને આપે છે ટ્રેનિંગ?
રાહુલ દ્રવિડે હંમેશા કહ્યું છે કે તેને પોતાના બાળકોને તેમનું કરિયર પસંદ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. થોડા સમય માટે, જ્યારે રાહુલ ટીમ ઈન્ડિયાના કોચ હતા, ત્યારે તેમને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે પોતાના બાળકોને પણ ટ્રેનિંગ આપે છે, જેના પર તેને કહ્યું કે બંને ભૂમિકા ભજવવી ખૂબ જ મુશ્કેલ છે. હું પિતા બનીને ખુશ છું. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ એવી ચર્ચા છે કે કેટલીક આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ તેને કોચની ભૂમિકા ઓફર કરી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે દ્રવિડને રાજસ્થાન રોયલ્સ તરફથી કોલ આવ્યો છે. તે ફરી એકવાર રાજસ્થાન રોયલ્સનો ભાગ બની શકે છે. હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડની નવી ભૂમિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.













