- કતાર ખાતે રાત્રે 8.30 વાગ્યાથી જંગ જામશે
- કતારની સ્થાનિક પ્રજાને લાંબા ગાળાના લાભો થશે : નિષ્ણાત
- વિશ્વ કપ પછી ખાલીખમ હોટેલ્સ, સ્ટેડિયમ્સ થશે ધરાસ્ત
ફૂટબોલ મહાકુંભનો અંત રવિવારે આવી જશે. આર્જેન્ટિના અને ફ્રાન્સ ફાઇનલમાં ટકરાશે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે. અત્યાર સુધીમાં ફાઇનલમાં પહોંચાડવામાં મેસ્સીનો મોટો હાથ રહ્યો છે. નિષ્ણાંતોના મતે આર્જેન્ટિના વર્લ્ડ કપ જીતે એવી પૂરી શક્યતા છે. વર્લ્ડ કપમાં આ બંને ટીમ ત્રણ વખત ટકરાઈ ચૂકી છે. છેલ્લે 2018માં રશિયામાં રમાયેલા વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે મુકાબલો થયો હતો તે અગાઉ 1930-1978માં આ બંને ટીમ વચ્ચે મુકાબલો થયો તેમાં આર્જેન્ટિનાનો વિજય થયો હતો. 2018માં ફ્રાન્સ જીત્યું હતું. આ વખતે આર્જેન્ટિનાની જીતવાની તક વધુ હોવાનું વિશ્લેષકો કહી રહ્યા છે. મેસ્સી અને એમબાપા વચ્ચે ગોલ્ડન બુટનો જંગ ખેલાશે.
કતારનો લાંબા ગાળાનો ઉદ્દેશ પોતાની છબી સુધારવાનો
ફૂટબોલ વિશ્વ કપના યજમાન તરીકે 2010મા જ્યારે કતારની પસંદગી કરવામા આવી હતી ત્યારે એ બાબતનો સંદેહ હતો કે ફૂટબોલના અધિકાંશ ફેન્સ તેનો સ્વીકાર કરશે કે કેમ? પણ 12 વર્ષ, 300 અબજ ડોલરનો જંગી ખર્ચ સાથે વિવાદોની હારમાળા, ઈતિહાસના સૌથી મોંઘા માર્કેટિંગ અભિયાનોમાંથી એક એવા વિવિધ ઉલ્લેખો સાથે આ નાનકડા ખાડી દેશમાં રવિવારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ સાથે ફિફા વિશ્વ કપ 2022 પર પડદો પડી જશે. પૃથ્વીની અડધી વસ્તી આ મેચને લાઇવ નિહાળશે તેવી અપેક્ષા છે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ અસાધારણ ખર્ચ તેને લાયક હતો ખરો? એક ટૂર્નામેન્ટ તરીકે ફિફા તેને એક સંપૂર્ણ સફળતાનો યશ આપે છે. પણ સવાલ એ છે કે આ જંગી ખર્ચ બાદ કતારને કેટલો ફાયદો થયો?
ટૂર્નામેન્ટ બાદ દોહા ખાલીખમ થઈ જશે
એક ડેટા અનુસાર એક મહિનો રહ્યા બાદ જ્યારે દોહામાંથી સાત લાખ કરતાં વધારે ફેન્સ વિદાય લેશે ત્યારે કતાર અપેક્ષા અનુસાર ખાલીખમ થઇ જશે. વળતો પ્રવાહ શરૂ થઇ પણ ગયો છે અને મોટી સંખ્યામા માઇગ્રન્ટ વર્કર્સ પણ હતાં. રિયલ એસ્ટેટ એજન્ટ્સ ચિંતિત છે કે આટલા બધા એપાર્ટમેન્ટનું શું થશે? હોટેલ્સમાં પણ ખાલી રૂમ્સની ભરમાર હશે અને કેટલાક સ્ટેડિયમ્સ તો એવા હશે કે જેનો ભષ્યિમા કદાચ ક્યારેય ઉપયોગ નહીં થાય.
કતારની સ્થાનિક પ્રજાને લાંબા ગાળાના લાભો થશે : નિષ્ણાત
અમેરિકામાં દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં ઘણા અધિકારીઓ પર કતારની બીડનું સમર્થન કરવા માટે મોટી લાંચ લીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, આ ટુર્નામેન્ટના સંદર્ભમા યુકે યુનિવર્સિટીના નિષ્ણાત વ્યાખ્યાતા ક્રિસ્ટિના ફિલિપો કહે છે કે કતારની સ્થાનિક પ્રજાને આના લીધે કેટલાક લાંબા ગાળાના લાભો થશે. જો કે આ આયોજનનો મૂળ ઉદ્દેશ કતારને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું હતું ત્યારે મને લાગે છે કે તેના કેટલાક પાસા પ્રતિષ્ઠામાં વધારો કરવામા ઉણા ઉતરે તેવા હતાં અને મને નથી લાગતું કે આ ઉદ્દેશમાં તેઓ વધારે સફળ રહ્યા હોય.
ગ્રેટેસ્ટ મેસ્સીની અભૂતપૂર્વ ફેરવેલ માટે તૈયારીઓ
37 ક્લબ ટ્રોફીઝ, સાત બલૂન D'or એવોર્ડ્ઝ અને છ યુરોપિયન ગોલ્ડન બૂટ. એક કોપા અમેરિકન ટાઇટલ, એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને સ્કોરિંગ અને સ્ટેટિસ્ટિકલ રેકોર્ડ્ઝની લાંબી લચક યાદી કે જેને કદાચ કોઇ તોડી પણ નહીં શકે. 18 વર્ષની ઝળહળતી કારકિર્દી દરમિયાન લાયોનેલ મેસ્સીએ એક સ્પષ્ટ અપવાદ સાથે ઘણું બધુ જીતી લીધું છે. રવિવારે આ 35 વર્ષના આર્જેન્ટિનાના કેપ્ટનની પાસે પોતાના અદભુત સીવીમા વિશ્વ કપ વિજેતાના પદકની છે જે એકમાત્ર જગા બચી છે તેને ભરવાની પણ તક છે. મેસ્સીના સૌથી ઉત્સાહી પ્રશંસકો માટે દોહાના લુસૈલ સ્ટેડિયમમાં ફ્રાન્સ પર વિજય એ વિવાદને પણ હંમેશાં માટે શાંત કરી દેશે કે ફૂટબોલના દેવાલયના સૌથી વિશિષ્ટ આંતરિક ગર્ભગૃહમાં તેનું સ્થાન શું છે?
વિશ્વ કપનો વિજય મેસ્સીને વધુ મહાન બનાવશે?
મેસ્સીની અત્યાર સુધીની કેરિયરની જે સિદ્ધિઓ છે તેણે પહેલેથી જ તેને પેલે, ડિઆગો મારાડોના, આલ્ફ્રેડો ડિ સ્ટિફાનો અને જોહાન ક્રૂકની હરોળમાં મૂકી દીધો છે. હવે સવાલ એ છે કે રવિવારે વિશ્વ કપનો વિજય તેને આ તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની આગળ કરી દેશે? કેટલાક લોકો માને છે કે હા તેમ થશે જ્યારે અન્ય કેટલાક લોકો માને છે કે તે અનન્ય છે. સેમીફાઇનલમાં ક્રોએશિયા પર આર્જેન્ટિનાના 3-0થી વિજય બાદ આર્જેન્ટિનાના કોચ લાયોનેલ સ્કાલોનીએ ચુકાદો આપ્યો હતો કે મને એ કહેવામાં કોઇ સંદેહ નથી કે તે ઈતિહાસમાં સર્વશ્રોષ્ઠ છે.