• 4 નવેમ્બરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ આવશે આમને-સામને
  • ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે, 5 ખેલાડી થયા ઈજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો

વર્લ્ડ કપ 2023 હાલ ચરમસીમા પર છે. તેની વચ્ચે એક પછી એક ટીમને જાણે કે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. સૌપ્રથમ વર્લ્ડ કપની ટુર્નામેન્ટ વચ્ચે ભારતીય ટીમને હાર્દિક પંડ્યાના રુપે ફટકો પડ્યો. ટુર્નામેન્ટની મધ્યમાં પંડ્યા ઈજાગ્રસ્ત થયા. તે સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમમાં 1 નવેમ્બરના રોજ ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયા હતા. ગત રોજ ટીમનો અનુભવી ઓલરાઉન્ડર મિશલ માર્શ સ્વદેશ પરત ફર્યો હતો. ત્યારબાદ સેમિફાઈનલની રેસમાંથી બહાર થયેલ ટીમ બાંગ્લાદેશનો ખેલાડી લિટન દાસ સ્વદેશ પરત ફર્યો છે.

ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

વર્લ્ડ કપ 2023માં સતત ત્રણ હાર બાદ સેમિફાઇનલની રેસમાં પાછળ રહી ગયેલી ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. ટીમના ફાસ્ટ બોલર મેટ હેનરીની હેમસ્ટ્રિંગની ઈજા ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં તેને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મેટ હેનરીના સ્થાને કાયલ જેમિસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બુધવારે રાત્રે દક્ષિણ આફ્રિકા સામે બોલિંગ કરતી વખતે મેટ હેનરી ઈજાગ્રસ્ત થયો હતો. સ્થિતિ એવી હતી કે તેણે પોતાનું ઓવર અધવચ્ચે જ છોડવી પડી હતી. મેચ બાદ તેનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે તેની ઈજા ગંભીર છે અને તેને ઠીક થવામાં બેથી ચાર અઠવાડિયાનો સમય લાગશે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમે હેનરીને પડતો મૂક્યો અને તેના સ્થાને જેમિસનને સામેલ કરવાનો નિર્ણય કર્યો.

હેનરી ઈજાગ્રસ્ત થતા જેમિસનને તક આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, મેટ હેનરીના એમઆરઆઈ સ્કેનનાં પરિણામોથી ન્યુઝીલેન્ડની ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ જાણતી હતી કે તેની ઈજા જલ્દી ઠીક થવાની નથી. આવી સ્થિતિમાં આફ્રિકા સાથેની મેચ બાદ તરત જ તેણે ફાસ્ટ બોલર કાઈલ જેમિસનને ભારત આવવાનું આમંત્રણ મોકલ્યું હતું. જેમિસન પણ ગુરુવારે રાત્રે ટીમ સાથે જોડાઈ ગયો છે. તે બેંગલુરુમાં ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યો છે. તેને પહેલા મેટ હેનરીના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો પરંતુ હવે તેને કીવી ટીમની વર્લ્ડ કપ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે.

કીવી ટીમ ઈજાઓ સાથે સંઘર્ષ કરી રહી છે

ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે રમી શક્યો નહોતો. આફ્રિકા સામેની મેચ દરમિયાન જીમી નીશમ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, હવે આ બંને ફિટ થવાની આશા છે. આ સિવાય કેન વિલિયમસન અને માર્ક ચેપમેન પણ ઈજાના કારણે ટીમની બહાર છે.

શનિવારે મોટી મેચ છે

વર્લ્ડ કપમાં હવે ન્યૂઝીલેન્ડનો મુકાબલો પાકિસ્તાનનો છે. શનિવારે (4 નવેમ્બર) રમાનાર આ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કિવી ટીમ અહીં હારી જશે તો તેના માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની જશે અને પાકિસ્તાનની એન્ટ્રીની શક્યતા પ્રબળ બની જશે.

  • Follow us on: