- મિચેલ સ્ટાર્ક એલિસા તથા તેની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા
- મિચેલ પત્ની એલિસાને પેવેલિયન પરત ફરતી જોઈને ઉદાસ દેખાઈ રહ્યો હતો
- પોતાની ઇનિંગ દરમિયાન હીલી 6 બોલમાં માત્ર 11 રન જ બનાવી શકી હતી
24 માર્ચે એલિસા હીલીની યુપી વોરિયર્સે અને હરમનપ્રીત કૌરની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે નવી મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં મુકાબલો થયો હતો. જેમાં હીલીના પતિ ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના બોલર મિચેલ સ્ટાર્ક પણ એલિસા તથા તેની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ મેચ દરમિાયન જ્યારે હીલીએ બેટિંગ કરતી વખતે હરમનપ્રીત કૌર સામે તેની વિકેટ ગુમાવી, ત્યારે તેના પતિ મિચેલ એકદમ નિરાશ દેખાતા હતા. જ્યારે કેપ્ટન કૌર તેનો કેચ પકડીને ઘણી ખુશ હતી.

એલિસા હીલીના આઉટ થવાથી મિચેલ નિરાશ
વાસ્તવમાં, યુપી વોરિયર્સની ઈનિંગની ત્રીજી ઓવર વોંગ દ્વારા ફેંકવામાં આવી હતી. તેણે આ ઓવરનો બીજો બોલ હીલીને ફેંક્યો હતો. તેના આ બોલ પર હીલીએ લેગ સાઇડથી ફ્લિક શોટ લગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેનો આ શોટ બરાબર બેસી ન શક્યો અને બોલ ટપ્પો ખાઈને આઉટ સ્વિંગ થઈ ગઈ. જે પછી બોલ બેટની આગળની ધારને ટચ થઈને મિડ-ઓફની દિશામાં ગઈ. આવી સ્થિતિમાં ત્યાં ફીલ્ડિંગ કરી રહેલી હરમનપ્રીત કૌરે કોઈ ભૂલ કર્યા વિના આ કેચ ઝડપી લીધો હતો.

પોતાની ઇનિંગ દરમિયાન હીલી 6 બોલમાં માત્ર 11 રન જ બનાવી શકી હતી. જ્યારે હરમન તેનો કેચ લીધા પછી ખુશ દેખાતી હતી તો બીજી તરફ મિચેલ પત્ની એલિસાને પેવેલિયન પરત ફરતી જોઈને નિરાશ દેખાઈ રહ્યો હતો. પતિ મિચેલના ચહેરા પર હીલીની વિકેટની પીડા સ્પષ્ટ દેખાતી હતી. હવે સ્ટાર્કની આ પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ
મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.









