- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે
- 9 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે
T20 વર્લ્ડકપ 2024 2 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે, જેમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ પહેલા પણ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહી છે અને આ વખતે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 7 વખત આમને-સામને આવી ચૂક્યા છે, જેમાંથી ભારતે 5 વખત જીત મેળવી છે, એક વખત પાકિસ્તાની ટીમનો વિજય થયો હતો અને એક વખત તેમની મેચ ટાઈ રહી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલને લઈને પાકિસ્તાની ચાહકો ઘણીવાર ભારતીય ટીમને ટ્રોલ કરે છે. તે મેચમાં ઘાતક બોલિંગ કરનાર મોહમ્મદ આમીર હવે પાકિસ્તાની ટીમમાં પાછો ફર્યો છે અને ભારતીય બેટ્સમેનોએ તેની સાથે સાવચેત રહેવાની જરૂર છે.
મોહમ્મદ આમિરનો ઘાતક સ્પેલ
ભારત અને પાકિસ્તાન પોતપોતાના હરીફોને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પહોંચ્યા હતા. પહેલા રમતા પાકિસ્તાને સ્કોરબોર્ડ પર 338 રનનો જંગી સ્કોર મૂક્યો હતો. આ મેચમાં ફખર ઝમાને 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ જ્યારે ભારત ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યું ત્યારે મોહમ્મદ આમિરે ભારતીય બેટ્સમેનો પર તબાહી મચાવી દીધી હતી. પહેલા તેણે ઈન-સ્વિંગ બોલ પર રોહિત શર્માને શૂન્યના સ્કોર પર આઉટ કર્યો, પછી તેણે વિરાટ કોહલીની પણ વિકેટ લઈને ભારતના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો. શિખર ધવન હજુ સારા ટચમાં જોવા લાગ્યો હતો, જ્યારે આમિરે તેને 21 રનના સ્કોર પર સરફરાઝ અહેમદના હાથે કેચ કરાવ્યો. ભારત મેચ 180 રનથી હારી ગયું હતું, જ્યારે મોહમ્મદ આમિરે મેચમાં 6 ઓવર ફેંકી હતી, જેમાં તેણે માત્ર 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેમાં 2 મેડન ઓવર પણ સામેલ હતી.
આમિરે નિવૃતિ પાછી ખેંચી
મોહમ્મદ આમિરે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ ચાર વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ તેણે T20 વર્લ્ડકપ 2024 પહેલા જ નિવૃત્તી પાછી ખેંચી હતી. આમિરે ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં વાપસી કરી હતી અને તેની પહેલી જ મેચમાં તેણે 3 ઓવરમાં માત્ર 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જો કે તે પછી તે વિકેટ લેવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.