ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની મુશ્કેલીઓ વધી છે. ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડે હરમુ રોડ પર સ્થિત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રહેણાંક પ્લોટ પર સવાલ ઉઠાવ્યા છે. બોર્ડનું કહેવું છે કે ધોનીના આ રેસિડેન્શિયલ પ્લોટનો ઉપયોગ વેપારી હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, હવે આ પ્લોટ પર ડાયગ્નોસ્ટિક સેન્ટરનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.


રહેણાંક પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે

ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ સંજય લાલ પાસવાને જણાવ્યું હતું કે રહેણાંક પ્લોટનો ઉપયોગ આવાસ માટે જ થઈ શકે છે. અન્ય કોઈપણ ઉપયોગ એ નિયમોનું ઉલ્લંઘન છે. ધોનીના હરમુના ઘરે ડાયગ્નોસ્ટિક સેન્ટર ખોલવાની માહિતી મળ્યા બાદ બોર્ડે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જો તપાસમાં સાબિત થશે કે રહેણાંક પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે તો બોર્ડ ધોની સામે યોગ્ય કાર્યવાહી કરશે. ધોની હાલમાં રિંગ રોડ પર સિમલિયામાં તેના નવા મકાનમાં રહે છે, જ્યારે તેનું જૂનું ઘર હરમુ રોડ પર છે. બોર્ડે હરમુ રોડ પર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલયના રહેણાંક પ્લોટના કોમર્શિયલ ઉપયોગ પર પણ સવાલો ઉઠાવ્યા છે. આ મામલે પહેલા જ નોટિસ જાહેર કરવામાં આવી છે.

રાજ્ય સરકારે મફતમાં પ્લોટ આપ્યો હતો

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ કર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર પ્રદર્શનને જોતા રાજ્યની તત્કાલીન અર્જુન મુંડા સરકારે તેને મફત જમીન ફાળવવાનો નિર્ણય લીધો હતો. સરકારના નિર્ણય બાદ ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડે 23 ફેબ્રુઆરી, 2006ના રોજ તેમને હરમુ હાઉસિંગ કોલોનીમાં HIG 10/A પ્લોટ ફાળવ્યો હતો.

તપાસ બાદ ધોની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

આ બાબતે હાઉસિંગ બોર્ડના ચેરમેન સંજય પાસવાને જણાવ્યું હતું કે એમએસ ધોનીને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા એક રહેણાંક પ્લોટ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે આ રહેણાંક પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ નિયમો વિરુદ્ધ થઈ રહ્યો છે. બોર્ડના અધિકારીઓને સમગ્ર મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: