- વિદર્ભ 105માં સમેટાયું, 117ની લીડ સાથે મુંબઇ 260 રન આગળ થયું
- શાર્દુલ ઠાકુરે 75 તથા પૃથ્વી શોએ 46 રનનું યોગદાન આપ્યું
- પ્રથમ દાવના આધારે મુંબઇની ટીમે વિદર્ભ સામે 117 રનની મજબૂત લીડ
અણીના સમયે સુકાની અજિંક્ય રહાણે તથા મુશીર ખાને નોંધાવેલી અણનમ અડધી સદીની મદદથી મુંબઇએ વિદર્ભ સામે રમાતી રણજી ટ્રોફીની ફાઇનલના બીજા દિવસે રમત ઉપર પોતાનું વર્ચસ્વ મેળવી લીધું હતું. પ્રથમ દાવમાં 224 રનનો સ્કોર નોંધાવનાર મુંબઇની ટીમે બીજા દાવમાં બે વિકેટે 141 રનનો સ્કોર નોંધાવતા પહેલાં વિદર્ભને તેના પ્રથમ દાવમાં 105 રનના સ્કોરે તંબુભેગું કરી દીધું હતું. બીજા દિવસના સ્ટમ્પના સમયે રહાણે 109 બોલમાં 58 તથા મુશીર ખાન 135 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે અણનમ 107 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્રથમ દાવના આધારે મુંબઇની ટીમે વિદર્ભ સામે 117 રનની મજબૂત લીડ મેળવી હતી અને તે કુલ 260 રન આગળ થયું છે.
બીજા દિવસે વિદર્ભની ટીમે ત્રણ વિકેટે 31 રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું પરંતુ મુંબઇના બોલર્સ સામે તેનો ધબડકો થયો હતો. યશ રાઠોડે 27 તથા આર્થવ તાઇડેએ 23 રન બનાવ્યા હતા. મુંબઇ માટે ધવલ કુલકર્ણીએ 15 રનમાં ત્રણ, શમ્સ મુલાણીએ 32 રનમાં ત્રણ તથા તનુષ કોટિયાને સાત રનમાં ત્રણ વિકેટ હાંસલ કરી હતી. મુંબઈના પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુરે 75 તથા પૃથ્વી શોએ 46 રનનું યોગદાન આપ્યું હતું.










