- સૂર્યાએ ત્રીજી T20માં ધમાકેદાર ઈનિંગ રમી
- સૂર્યાએ પોતાના ODI પ્રદર્શન અંગે વાત કરી
- મારા ODI નંબરો ખૂબ ખરાબ છે
T20ના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી મેચમાં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. સૂર્યાએ 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને 7 વિકેટે મોટી જીત અપાવી હતી. જોકે મુંબઈના બેટરનો રેકોર્ડ વનડેમાં કંઈ ખાસ નથી.
સૂર્યાએ ત્રીજી T20માં ધમાકેદાર ઈનિંગ રમી
સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેની શાનદાર ઇનિંગ્સના આધારે ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. આ સાથે ટીમે સીરિઝમાં વાપસી કરી લીધી છે. ભારતનો પહેલી 2 મેચમાં પરાજય થયો હતો. મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝે પહેલા રમતા 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધું હતું. સૂર્યકુમારે 44 બોલમાં 83 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સ્ટ્રાઈક રેટ 189 હતો. તેણે ઈનિંગમાં 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. સીરિઝની ચોથી મેચ 12 ઓગસ્ટે રમાશે.
સૂર્યકુમાર યાદવે T20 ઇન્ટરનેશનલની 49 ઇનિંગ્સમાં 3 સદી અને 14 અડધી સદી ફટકારી છે. જ્યારે ODIની 24 ઇનિંગ્સમાં માત્ર 2 જ અડધી સદી ફટકારી શક્યા છે. હવે તેણે પોતે જ પોતાના ODI પ્રદર્શન અંગે મોટી વાત કહી છે. સૂર્યકુમારે ત્રીજી ટી-20 પછી કહ્યું કે સાચું કહું તો મને એ કહેતા શરમ નથી આવતી કે મારા ODI નંબરો ખૂબ ખરાબ છે. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે રમતમાં સુધારો કરવા અંગે સતત વાતચીત થઈ રહી છે.
તમે છેલ્લી ઓવરમાં શું કરી શકો?
સૂર્યકુમાર યાદવે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે કહ્યું કે જો તમને ODIમાં છેલ્લી 10 થી 15 ઓવર રમવા મળે તો તમે ટીમ માટે શું કરી શકો. તમારે 45-50 બોલ રમવાનું છે, તેથી તમારી નેંચરલ ગેમ રમો. હવે એ મારા હાથમાં છે કે હું આ તકનો કેવી રીતે ઉપયોગ કરું. તેણે કહ્યું કે સતત ટી-20 રમવાના કારણે હું તે પ્રમાણે રમવાનો પ્રયત્ન કરું છું. મેં વધારે ODI ક્રિકેટ રમી નથી. મારા મતે આ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે.
સૂર્યકુમાર યાદવે કહ્યું કે જો વનડેમાં વિકેટ ઝડપથી પડી જાય તો તમારે ટેસ્ટની જેમ બેટિંગ કરવી પડશે. હું મારી જાતને તેમાં ઢાળવાનો પ્રયાસ કરી રહ્યો છું. વર્લ્ડ કપ પહેલા માત્ર 7-8 વનડે મેચો રાખવાના સવાલ પર સૂર્યાએ કહ્યું કે આ મેચો ટીમની તૈયારી માટે પૂરતી છે. ટુર્નામેન્ટ પહેલા અમારો કેમ્પ પણ યોજાશે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓને સાથે મળીને તૈયારી કરવાનો મોકો મળશે. આશા છે કે અમે વર્લ્ડ કપ જીતવામાં સફળ રહીશું. તે જાણીતું છે કે વર્લ્ડ કપની મેચો ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમવાની છે.