- આજે છે નેશનલ સ્પોર્ટ્સ ડે
- મેજર ધ્યાનચંદની 119મી જયંતિ
- રમત ગમતના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ
આજે 29 ઑગષ્ટ 2024 એટલે રાષ્ટ્રીય રમત ગમત દિવસ. દેશમાં રમત ગમતની પરંપરાનો ઉત્સવ ઉજવવા અને ભારતીય રમતવીરોના દિગ્ગજોને શ્રદ્ધાજંલિ આપવા માટે રાષ્ટ્રીય રમત ગમત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય હૉકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની 119મી જયંતિ છે. ત્યારે આવો જાણીએ આજે કેમ ઉજવાય છે રાષ્ટ્રીય રમત ગમત દિવસ.
અમદાવાદમાં થયો છે જન્મ
મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અમદાવાદના એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ તેમના પિતાની જેમ સેનામાં જોડાયા અને તે દરમિયાન તેમનો લગાવ રમત ગમત પ્રત્યે વધી ગયો. . મહાન ભારતીય હોકી ખેલાડીનું મૂળ નામ ધ્યાન સિંહ હતું, પરંતુ તેઓ માત્ર ચાંદની રાતોમાં જ પ્રેક્ટિસ કરતા હતા અને તેથી તેમના સાથી ખેલાડીઓએ તેમનું નામ ધ્યાનચંદ રાખ્યું હતું.
ખેલ રત્ન એવોર્ડ તેમના નામે અપાય છે
22 વર્ષથી વધુની કારકિર્દીમાં, તેમણે 400 ગોલ કર્યા અને ટીમ માટે ત્રણ ઓલિમ્પિક મેડલ જીત્યા. 2002માં દિલ્હીના નેશનલ હોકી સ્ટેડિયમનું નામ બદલીને મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. ભારતીય હોકીમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે મેદાન પરના તેના પરાક્રમી પ્રદર્શનથી રમતમાં જ માત્ર ફાળો આપ્યો નથી. પરંતુ તેના પછીના વર્ષોમાં કોચ તરીકે પણ રહ્યા હતા. ધ્યાનચંદ પટિયાલાની એક નેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં મુખ્ય કોચ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. આ સાથે ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદના નામ પર દર વર્ષે ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે.
કેમ ઉજવાય છે રાષ્ટ્રીય રમતગમત દિવસ ?
રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે મેજર ધ્યાનચંદના જીવન અને યોગદાનને યાદ કરવા અને તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બાળકો અને યુવાનો માટે રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને તેમને મેજર ધ્યાનચંદ વિશે જાણકારી આપવામાં આવે છે.
રાષ્ટ્રીય રમતગમત દિવસ 2024ની થીમ
રાષ્ટ્રીય રમતગમત દિવસ 2024 ની થીમ 'રમતને પ્રોત્સાહન અને શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજ માટે' છે. થીમ વ્યક્તિઓને એક કરવા અને સામાજિક બંધનોને મજબૂત કરવાના સાધન તરીકે રમતગમતના મહત્વને દર્શાવે છે.
શું કહ્યું રમતગમત મંત્રીએ ?
રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ નાગરિકોને ઓછામાં ઓછા એક કલાક આઉટડોર રમતોમાં ભાગ લેવા જણાવ્યું છે. આ સાથે મંત્રીએ ચાર વર્ષ પહેલા રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ફિટ ઈન્ડિયા ચળવળમાં ભાગ લેવા નાગરિકોને વિનંતી કરી હતી.
નેશનલ સ્પોર્ટ્સ ડે પર ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ શરૂ થઈ
મહત્વનું છે કે પીએમ મોદીએ 2019માં નેશનલ સ્પોર્ટ્સ ડે પર ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી હતી. આ ચળવળનો ઉદ્દેશ્ય લોકોને હેલ્ધી અને સ્વસ્થ જીવનશૈલી તરફ વળે તે માટે પ્રેરિત કરવાનો છે. આ ચળવળ લોકોને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિ અને રમતગમતનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કરે છે. આ ચળવળ લોકોને રોગોથી બચવા માટે જીવનશૈલીમાં નાના ફેરફારો કરવામાં મદદ કરે છે. વિવિધ સંસ્થાઓ વિશેષ ફિટનેસ કાર્યક્રમો અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરીને આ દિવસની ઉજવણી કરે છે.










