- બે વર્ષ સુધી રોહિતને કેપ્ટન તરીકે જાળવી રાખીને નવો સુકાની તૈયાર કરવો જોઈએ
- ટૂર્નામેન્ટની શરૂઆતથી અંત સુધી રોહિતે પ્રેરણાદાયી નેતૃત્વ કર્યું છે
- યુવા ખેલાડીઓ હજુ નેતૃત્વ કરવા માટે તૈયાર નથી
વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સ્વપ્ન સાકાર નહીં થવાના કારણે રવિવારે રાત્રે રોહિત શર્મા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બહાર નીકળતી વખતે પોતાની પાસેથી પસાર થનાર પ્રત્યેક વ્યક્તિ સાથે હેન્ડશેક કરી રહ્યો હતો. ચોક્કસપણે તે હતાશ હતો અને તે જાણે એકલો પડી ગયો છે તેવું અનુભવી રહ્યો હતો. ભારતીય ક્રિકેટને હજુ પણ રોહિતની જરૂર છે અને તેને ઓછામાં ઓછા બે વર્ષ સુધી સુકાની બનાવી રાખવો જરૂરી છે. રાહુલ દ્રવિડની કેપ્ટનશિપનો કાર્યકાળ 2007માં પૂરો થતો હતો ત્યારે ધોની તેનું સ્થાન લેવા માટે તૈયાર હતો. ધોનીએ કેપ્ટનશિપ છોડી તો કોહલીને તેણે અગાઉથી તૈયાર કરી દીધો હતો. આ રીતે રોહિતે પણ કોહલી પાસેથી જવાબદારી સંભાળી હતી. વર્તમાન ટીમનો કોઈ પણ યુવા હજુ સુધી નેતૃત્વ કરી શકે તે માટે તૈયાર થયો હોય તેમ લાગતું નથી અને આ સ્થિતિમાં પસંદગી સમિતિ પાસે પણ રોહિતે સુકાની તરીકે જાળવી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી.
કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે રોહિત અસાધારણ સુકાની છે અને તેણે ટીમનું શાનદાર રીતે નેતૃત્વ કર્યું છે. તેણે ડ્રેસિંગરૂમમાં પોતાનો લાંબો સમય અને એનર્જી સાથી ખેલાડીઓ માટે આપી છે. તે કોઈ પણ ચર્ચા કે મિટિંગ માટે ઉપલબ્ધ રહેતો હતો. વર્લ્ડ કપમાં પણ તેણે કુનેહભરી કેપ્ટનશિપ કરી હતી અને તે અગ્રેસર રહીને ટીમને પ્રેરિત કરવા માગતો હતો. ટૂર્નામેન્ટની શરૂઆતથી અંત સુધી તે અગ્રેસર રહ્યો હતો. નોંધનીય છે કે રોહિત 36 વર્ષનો છે અને સાઉથ આફ્રિકા ખાતે 2027માં રમાનારો વર્લ્ડ કપ રમવા માટે તે જાય તો તેની વય 40 વર્ષની થઈ જશે.










