- પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં ફાઈનલમાં પહોંચ્યો
- પ્રથમ જ પ્રયાસમાં 89.34 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યું
- આ સિઝનમાં નીરજ ચોપરાનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.36 મીટર હતો
નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક્સની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશી ચૂક્યો છે. નીરજને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેણે તેના પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. સીધા ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે 84 મીટરનું માર્ક નક્કી કરવામાં આવ્યું હતું. નીરજ ઉપરાંત પાકિસ્તાનના અરશદ નદીમે પણ 86.59 મીટર ભાલા ફેંકીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
આ સિઝનમાં નીરજ ચોપરાનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.36 મીટર હતો, જે તેણે દોહા ડાયમંડ લીગ 2024માં હાંસલ કર્યો હતો. એટલે કે, પેરિસ ઓલિમ્પિક 2024ના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટરનું અંતર કાપીને તેણે આ સિઝનના શ્રેષ્ઠ થ્રોનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરા પ્રથમ ક્રમે રહ્યો હતો
ક્વોલિફિકેશન રાઉન્ડમાં બંને ગ્રુપને એકસાથે જોવામાં આવે તો નીરજ ચોપરા સૌથી આગળ રહ્યો હતો. તેણે 89.34 મીટરનો ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.63 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ત્રીજા ક્રમે જર્મનીના જુલિયન વેબર રહ્યા, જેમણે 87.76 મીટર ભાલો ફેંક્યો. જ્યારે પાકિસ્તાનનો અરશદ નદીમ 86.59 મીટરના અંતર સાથે એકંદરે ચોથા ક્રમે રહ્યો હતો.
ઓછામાં ઓછા 12 એથ્લેટ ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે. કુલ 7 ખેલાડીઓએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 84 મીટરનો આંકડો પાર કરીને સીધા જ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ 7 એથ્લેટ્સ પછી, શ્રેષ્ઠ થ્રો કરનાર પાંચ એથ્લેટને ફાઇનલમાં પ્રવેશ મળશે. નીરજ ચોપરા હવે ગોલ્ડ મેડલ માટે 8 ઓગસ્ટે ફાઇનલમાં એક્શનમાં જોવા મળશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા ભારતીય એથ્લેટ કિશોર જેના વિશે વાત કરીએ તો, ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેનો શ્રેષ્ઠ થ્રો 80.73 મીટર હતો, પરંતુ તે તેને ફાઇનલમાં લઈ જવા માટે અપૂરતો સાબિત થયો હતો









