• દુનિયાભરના ક્રિકેટરો રમશે IPL મેચમાં
  • ન્યૂઝીલેન્ડની ટીમ IPLમાં રમશે કે પછી બ્રેક લેશે તેને લઈ હજી કોઈ નિર્ણય નહી
  • ન્યૂઝીલેન્ડની ટીમ લગભગ 14 દિવસના પાકિસ્તાન પ્રવાસ પર
IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ સાથે જ આખી દુનિયાની નજર આ લીગ પર રહેશે. આ લીગમાં દુનિયાભરના ક્રિકેટરો રમશે.આ લીગમાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝના ઘણા ક્રિકેટરો રમતા જોવા મળશે. પરંતુ ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો માટે એક સમસ્યા ઉભી થઈ છે. ન્યૂઝીલેન્ડને આ લીગની મધ્યમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે. હવે સવાલ એ છે કે શું આ ક્રિકેટરો પોતાના દેશ માટે રમશે અને રાષ્ટ્રીય ફરજ બજાવવા IPLમાંથી બ્રેક લેશે કે પછી દેશની અવગણના કરીને IPLને પ્રાધાન્ય આપશે,તે હજી નક્કી નથી થયું.

પ્રવાસનો કાર્યક્રમ જાહેર
પાકિસ્તાને ગુરુવારે ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. એપ્રિલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે અને પાંચ મેચની T-20 શ્રેણી રમશે. આ સિરીઝનું શિડયુલ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ મેચ 18મી એપ્રિલે રમાશે. બીજી 20મીએ, ત્રીજી 21મીએ, ચોથી 25મીએ, પાંચમી 27મી એપ્રિલે રમાશે. આ પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ 14 એપ્રિલે પાકિસ્તાન પહોંચશે. આ ટીમ 28મીએ ત્યાંથી રવાના થાય તેવી શક્યતા છે.

ખેલાડીઓ શું કરશે
IPLમાં ન્યૂઝીલેન્ડના ઘણા મોટા નામ છે. ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર રચીન રવિન્દ્ર, સેમીફાઈનલમાં ભારત સામે સદી ફટકારનાર ડેરીલ મિશેલ, કેન વિલિયમસન, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, ગ્લેન ફિલિપ્સ અને લોકી ફર્ગ્યુસનના નામ છે જેઓ ભાગ લેશે. IPLમાં આ એવા ખેલાડીઓ છે જે ન્યૂઝીલેન્ડની T20 ટીમના મહત્વના સભ્યો છે અને આવી સ્થિતિમાં જોવાનું એ રહે છે કે આ ખેલાડીઓ IPLને પસંદ કરે છે કે રાષ્ટ્રીય ટીમને.તાજેતરમાં SA20 લીગ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે આ લીગમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ રમી રહ્યાં હતા અને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે નવી ટીમ પસંદ કરી હતી જેમાં કેપ્ટન ડેબ્યૂ કરી રહ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને આ દેશના ક્રિકેટરો રાષ્ટ્રીય ફરજને લઈને શું નિર્ણય લે છે.

લીગ માટે પસંદગી
આજના સમયમાં આવા ખેલાડીઓ ટી20 લીગને પ્રાધાન્ય આપે છે. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. હવે અન્ય દેશોના ખેલાડીઓએ પણ આ કામ શરૂ કર્યું છે. આ કારણોસર બોલ્ટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે ના કહી દીધી હતી. જો આ રીતે જોવામાં આવે તો બોલ્ટ પાકિસ્તાન પ્રવાસ પર નહીં જાય તે લગભગ નિશ્ચિત છે. અન્ય ખેલાડીઓ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

  • Follow us on: