• કોન્વે અને રચિન રવીન્દ્ર વચ્ચે 273 રનની અણનમ ભાગીદારી

  • કોન્વેએ અણનમ 152, રવીન્દ્રની 123 રનની ઇનિંગ
  • ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો  

આઇસીસી વર્લ્ડકપ 2023ની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ખિતાબની પ્રબળ દાવેદાર મનાતી ગત ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમને નવ વિકેટે ભૂંડી હાર આપીને ટૂર્નામેન્ટના વિજયી શ્રીગણેશ કર્યા હતા. અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી અને ઇંગ્લેન્ડને બેટિંગમાં ઉતારી હતી. ઇંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં નવ વિકેટના ભોગે 282 રન બનાવ્યા હતા જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમે 36.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 283 રન બનાવીને ટૂર્નામેન્ટમાં પહેલી જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે 2019ના વર્લ્ડકપની ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો વાળી લીધો છે. ન્યૂઝીલેન્ડ વતી ઓપનર ડેવોન કૉન્વે અને ત્રીજા ક્રમે રમવા ઉતરેલા બેટ્સમેન રચિન રવીન્દ્રે કમાલ કરી હતી. બંનેએ બીજી વિકેટ માટે 273 રનની અણનમ ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. કોન્વેએ 121 બોલમાં અણનમ 152 રન ફટકાર્યા હતા જ્યારે રવીન્દ્રે 96 બોલમાં 123 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. કોન્વેએ પોતાની ઇનિંગમાં 19 બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર ફટકારી હતી જ્યારે રવીન્દ્રે 11 બાઉન્ડ્રી અને પાંચ સિક્સર ફટકારી હતી. બંનેની આક્રમક બેટિંગ સામે ઇંગ્લેન્ડના બોલર્સ વામણા દેખાતા હતા. ગરમીની વચ્ચે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અનુભવી ખેલાડી જોઇ રુટની અડધી સદી વડે ઇંગ્લેન્ડે નવ વિકેટે 282 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે સમયાંતરે વિકેટો ગુમાવી હતી. ઓપનર બેરિસ્ટોએ 33, રુટે 86 બોલમાં 77, હેરી બ્રૂકે 25 તથા બટલરે 42 બોલમાં 43 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર તરફ્ દોરી હતી. ન્યૂઝીલેન્ડ માટે મેટ હેનરીએ 48 રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત સાન્તેનર તથા ફિલિપ્સે બે-બે વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડે યુનિક રેકોર્ડ નોંધાવ્યો, તમામ 11 બેટ્સમેને ડબલ ફિગરમાં રન નોંધાવ્યા

આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત સિક્સરથી થઈ હતી અને ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટોએ પ્રથમ ઓવરમાં જ ટ્રેન્ટ બાઉલ્ટની બોલિંગમાં છગ્ગો મારીને સ્કોરબોર્ડ ફરતું કરી દીધું હતું. આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે એક યુનિક રેકોર્ડ નોંધાવ્યો હતો જે વને ઇન્ટરનેશનલમાં ક્યારેય નોંધાયો નથી. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડના તમામ બેટ્સમેનોએ બેવડા આંકનો સ્કોર પાર કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ ભલે 300નો સ્કોર નોંધાવી ના શકી હોય પરંતુ તેના પ્રત્યેક બેટ્સમેનોના નામે ઓછામાં ઓછા 11 રન નોંધાયેલા છે. રુટે 50 પ્લસ, બેરિસ્ટોએ 33 તથા સુકાની બટલરે 43 રન બનાવ્યા હતા. આ રીતે વન-ડે ઇન્ટરનેશનલમાં આ નવો યુનિક રેકોર્ડ નોંધાયો છે જેની બરોબરી થઈ શકશે પરંતુ તેને તોડવો મુશ્કેલ છે.

રુટની વર્લ્ડ કપની પ્રથમ અને 15 મહિના બાદ અડધી સદી

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપના ઓપનિંગ મુકાબલામાં ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જોઇ રુટે આકર્ષક અડધી સદી ફટકારી હતી. તે વર્તમાન વર્લ્ડ કપમાં અડધી સદી નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત રુટે વન-ડેમાં 15 મહિના બાદ અડધી સદી નોંધાવી છે. ગ્લેન ફિલિપની બોલિંગમાં રિવર્સ સ્વીપ મારવાના પ્રયાસમાં તે બોલ્ડ થયો હતો. તેણે 86 બોલમાં ચાર બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 77 રન બનાવ્યા હતા. ઓવરઓલ વન-ડેમાં આ તેની 36મી અડધી સદી રહી હતી.


  • Follow us on: