• કેન વિલિયમ્સન તથા ટિમ સાઉથીનું ન્યૂઝીલેન્ડની ટીમમાં પુનરાગમન

  • બાંગ્લાદેશ સામે વિજય મેળવે તો તેની સ્થિતિ વધારે મજબૂત બની
  • વિલિયમ્સનની ગેરહાજરીમાં ટોમ લાથામે કેપ્ટનશિપ કરી હતી

આત્મવિશ્વાસથી ભરપૂર ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપમાં પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવા માટે ચેપોકની ધીમી પિચ ઉપર બાંગ્લાદેશ સામે શુક્રવારે રમાનારી મેચમાં સ્પિનર્સથી સાવચેત રહેવું પડશે. ન્યૂઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાનના ચાર-ચાર પોઇન્ટ છે પરંતુ કિવિ ટીમ રનરેટના મામલે સૌથી આગળ છે. બાંગ્લાદેશ સામે વિજય મેળવે તો તેની સ્થિતિ વધારે મજબૂત બની જશે. નિયમિત સુકાની કેન વિલિયમ્સન અને પેસ બોલર ટિમ સાઉથીના પુનરાગમનના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ વધારે મજબૂત બની છે. આ બંને પ્લેયર્સ ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ સામે રમી શક્યા નહોતા. વિલિયમ્સનની ગેરહાજરીમાં ટોમ લાથામે કેપ્ટનશિપ કરી હતી. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે. ન્યૂઝીલેન્ડના ટોચના ક્રમના બેટ્સમેન વિલ યંગ, ડેવોન કોનવે તથા ડેરિલ મિચેલે શાનદાર પ્રદર્શન કર્યું હોવાના કારણે પ્લેઇંગ ઇલેવનની પસંદગી પણ ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલી ઊભી કરશે. વિલિયમ્સનના સ્થાને ત્રીજા ક્રમે બેટિંગ કરનાર રચિન રવીન્દ્રે એક સદી અને એક અડધી સદી નોંધાવી હોવાના કારણે તેને ટીમની બહાર કરવો મુશ્કેલ બનશે. ચેપોકની પિચ ઉપર કિવિ ટીમે મોટો સ્કોર નોંધાવવો પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં પિચ ઉપરથી બોલને ટર્ન મળતો હતો અને આ સ્થિતિમાં સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે.


  • Follow us on: