• શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની 5 વિકેટે જીત
  • જીત સાથે ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલ માટે મજબૂત દાવેદારી નોંધાવી
  • પાકિસ્તાનનું હવે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું

ન્યૂઝીલેન્ડે ગુરુવારે વર્લ્ડકપ 2023ની તેની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકા સામે શાનદાર જીત મેળવી છે. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 171 રન પર જ ઓલઆઉટ થઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 23.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ચાર મેચમાં સતત જીત મેળવી હતી. જે બાદ તેને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ન્યૂઝીલેન્ડની ટીમે પોતાની 5મી જીત મેળવી છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડની નેટ રનરેટે તેની સેમીફાઇનલની આશાઓ મજબૂત કરી છે. કારણ કે, જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચ જીતે તો પણ તેમની નેટ રનરેટ ઘણી ઓછી છે.

પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

જો પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો, ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. આ ટીમોએ સેમીફાઇનલની ટિકિટ પણ મેળવી લીધી છે. હવે આ જીત સાથે ન્યૂઝીલેન્ડે પણ ચોથા નંબર પર પોતાનો દાવો મજબૂત કરી લીધો છે, પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની છેલ્લી મેચ પહેલા અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. જો કે, ન્યૂઝીલેન્ડની ટીમ નેટ રનરેટમાં બંને કરતા ઘણી આગળ છે. જેથી એવું પણ બની શકે કે, પાકિસ્તાન પોતાની અંતિમ મેચમાં જીત મેળવ્યા બાદ પણ સેમીફાઈનલમાં ન પહોંચે..


મેચની સ્થિતિ શું હતી?

જો મેચની વાત કરવામાં આવે તો, પહેલા બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ માત્ર 171 રનમાં ઓલઆઉટ હતી. શ્રીલંકા માટે કુસલ મેન્ડિસે શાનદાર શરૂઆત કરી અને 51 રન બનાવ્યા હતા. અંતે જ્યારે એવું લાગતું હતું કે ટીમ 150 સુધી ઓલઆઉટ થઈ જશે, ત્યારે તિક્ષાનાએ 91 બોલમાં 38 રન બનાવ્યા અને અંત સુધી ઈનિંગને સંભાળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ લીધી હતી, જ્યારે રચિન રવિન્દ્ર, લોકી ફર્ગ્યૂસન અને મિશેલ સેન્ટનરને 2-2 વિકેટ મળી હતી. જે બાદ ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેએ 45 અને રચિન 42 રન સાથે બેટિંગમાં શાનદાર શરૂઆત કરી હતી. હવે જો ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે, તો 15 નવેમ્બરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડેમાં સેમીફાઈનલ મેચ રમવામાં આવશે.

  • Follow us on: