ભારતીય કુસ્તી માટે 2026નું વર્ષ યાદગાર રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય પહેલવાનોએ નોંધપાત્ર સફળતા મેળવી છે અને હવે આ ખેલાડીઓને Pro Wrestling Leagueના મંચ પર વિશ્વના દિગ્ગજો સાથે રમવાની તક મળશે. PWLની છઠ્ઠી સિઝન માટે યોજાનારી હરાજીમાં ઓલિમ્પિક મેડલ વિજેતા, વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતાઓ સામેલ છે. ખાસ વાત એ છે કે આ વખતે ચાર ફ્રેન્ચાઇઝીઓએ કોઈ ખેલાડીને રિટેન કર્યો નથી, જેના કારણે હરાજીમાં મોટી બોલી અને ખેલાડીઓ માટે રસાકસી જોવા મળી શકે છે.
હસન યઝદાની હરાજીનું સૌથી મોટું આકર્ષણ
આંતરરાષ્ટ્રીય પહેલવાનોમાં ઈરાનના હસન યઝદાનીનું નામ સૌથી ચર્ચિત છે. તેઓ રિયો 2016 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા, જ્યારે ટોક્યો 2020 અને પેરિસ 2024 ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમની સાથે મોલ્ડોવાની અનાસ્તાસિયા નિચિતા અને જાપાનના દાઇચી તાકાતાની જેવા ઓલિમ્પિક મેડલ વિજેતાઓ પણ હરાજીમાં સામેલ થશે. આ ઉપરાંત યુક્રેનની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન અનાસ્તાસિયા અલ્પેયેવા અને બલ્ગેરિયાની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બિલિયાના દુદોવા પણ ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ખેંચી શકે છે. એટલે આ વખતે હરાજીમાં ભારતીય ખેલાડીઓની સાથે આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ માટે પણ મોટી બોલી લાગવાની શક્યતા છે.
ભારતના કયા પહેલવાનો પર રહેશે નજર?
ભારતીય ખેલાડીઓમાં મનીષા ભાનવાલા સૌથી મોટાં નામોમાં સામેલ છે. તેઓ 2026ની સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય પહેલવાન છે. સુજીત કલકલે આ વર્ષે એશિયન ગેમ્સ અને સિનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત અંતિમ પંઘાલ, દીપક પુનિયા, નીલમ, તનુ શર્મા અને 18 વર્ષની કાજલ જેવા ખેલાડીઓ પણ હરાજીમાં સામેલ થશે. અંતિમ પંઘાલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે. આ ખેલાડીઓની પસંદગીથી ફ્રેન્ચાઇઝીઓને ભારતીય ટીમનું સંતુલન મજબૂત કરવાની તક મળશે.
6 ટીમો, ₹12 કરોડનું કુલ બજેટ
PWLની છ ફ્રેન્ચાઇઝીઓ પાસે પોતાની ટીમ બનાવવા માટે ₹2-2 કરોડનું બજેટ રહેશે. એટલે તમામ ટીમોનું મળીને કુલ ઓક્શન બજેટ ₹12 કરોડ છે. પહેલવાનોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
• A+ કેટેગરી: ₹18 લાખ બેઝ પ્રાઇસ
• A કેટેગરી: ₹12 લાખ બેઝ પ્રાઇસ
• B કેટેગરી: ₹8 લાખ બેઝ પ્રાઇસ
• C કેટેગરી: ₹3 લાખ બેઝ પ્રાઇસ
હરાજીમાં 22 પહેલવાનો A+ કેટેગરીમાં છે. દરેક ટીમમાં ઓછામાં ઓછા 9 અને વધુમાં વધુ 12 પહેલવાનો હોવા જરૂરી છે. ટીમમાં ઓછામાં ઓછા પાંચ પુરુષ અને ચાર મહિલા પહેલવાનો હોવા જોઈએ. સાથે ચાર વિદેશી ખેલાડીઓ રાખવા ફરજિયાત છે, જેમાં બે પુરુષ અને બે મહિલા પહેલવાનોનો સમાવેશ થાય છે. દરેક ટીમમાં ઓછામાં ઓછો એક C કેટેગરીનો ખેલાડી પણ હોવો જરૂરી છે.
ચાર ટીમો નવા ખેલાડીઓ સાથે બનાવશે સ્ક્વોડ
હરાજી પહેલાં Tiigers of Mumbai Dangalsએ અમન સેહરાવતને અને Delhi Dangal Warriorsએ ઈરાનના હાદી વફાઈપુરને રિટેન કર્યા છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન Haryana Thunders સહિત Maharashtra Kesari, Punjab Royals અને UP Dominatorsએ કોઈ ખેલાડીને રિટેન કર્યા નથી. આ ચારેય ટીમો હરાજીમાંથી જ પોતાની સંપૂર્ણ સ્ક્વોડ બનાવશે.
Pro Wrestling League (PWL) સિઝન-6ની ખેલાડીઓની હરાજી આવતીકાલે, 30 નવેમ્બર 2026ના રોજ સાંજે 5 વાગ્યાથી શરૂ થશે અને PWLની છઠ્ઠી સિઝન 3થી 19 જાન્યુઆરી 2027 દરમિયાન નવી દિલ્હીના KD જાધવ રેસલિંગ એરેનામાં યોજાવાની છે. ગયા સિઝનમાં જાપાનની ઓલિમ્પિક ચેમ્પિયન યૂઈ સુસાકીએ ₹60 લાખની બોલી સાથે લીગના ઇતિહાસની સૌથી મોંઘી પહેલવાન બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે નવી હરાજીમાં કયો સ્ટાર સૌથી મોંઘો સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: Neeraj Chopra: ભાલાફેંકની વર્લ્ડ રેન્કિંગમાં ભારતના 4 ખેલાડીઓ ટોપ-12માં